લોકડાઉનમાં ‘ફરજ સાથે સેવા’નું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડનાર મોરબીના પોલીસ જવાન જે.એસ.ભાટીનું સન્માન

- text


ફરજ ઉપરાંતની સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ જોરાજીભાઈ ભાટીને કલેકટરના હસ્તે પ્રશશતિ પત્ર આપી નવાજવામાં આવ્યા

મોરબી : આજે તા. 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં અનેક કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય, પોલીસ સહિતના દરેક વિભાગોમાં કોરોના કાળ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારને કલેક્ટર જે. બી. પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે.

લોકડાઉન દરમિયાન મોરબી જિલ્લામાં ધંધા-રોજગાર બંધ હતા. આથી, રોજનું કમાઈને બે ટંકનું ભોજન કરતા લોકો માટે ભોજનની વ્યવસ્થા સૌથી વિકટ પ્રશ્ન હતો. આવી કપરી પરિસ્થિતિમાં અનેક લોકો અને વિવિધ સંસ્થાઓ ગરીબોની વ્હારે આવી હતી. અને રાશન કીટ વિતરણ, ફૂડ પેકેટ વિતરણ, માસ્ક વિતરણ, શ્રમજીવીઓને વતન પહોંચાડવા સહિતની સેવાકીય પ્રેવૃત્તિઓ કરી હતી. ત્યારે મોરબી શહેરના પોલીસ જવાન જોરાજીભાઈ ભાટીએ પણ સતત પોતાની ફરજ પર તૈનાત રહવાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી.

- text

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. જોરાજીભાઇ સવજીભાઇ ભાટી દ્વારા કોવિડ-19ની મહામારી સામે પોતાના સ્વાસ્થય કે પરિવારની ચિંતા કર્યા વગર રાષ્ટ્રહિત માટે મોરબી જિલ્લામાં લોકડાઉન દરમિયાન કારખાનાઓમાં મજૂરોના આવાસ, ભોજન વ્યવસ્થા તથા સ્થળાંતર દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવાની અમુલ્ય કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરીની જિલ્લા વહીવટી તંત્રએ નોંધ લઇ તેઓને આજે ધ્વજવંદન કાર્યક્રમમાં કલેક્ટરના હસ્તે પ્રશશતિ પત્ર આપી નવાજવામાં આવ્યા છે. આમ, લોકડાઉનમાં ‘ફરજ સાથે સેવા’નું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડનાર પોલીસ જવાનને સન્માનિત કરવામાં આવ્યા છે.

- text