ફડસર-આમરણ વચ્ચે કોઝવેમાં ફસાયેલા બાળક સહિત 6 લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું

- text


અગાઉ બે સ્થાનિક તરવૈયાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકી કોઝવેમાં ફસાયેલા લોકોને બચાવવાની કોશિશ કરી હતી. પણ સફળતા ન મળતા અંતે NDRFની ટીમ દ્વારા કલાકોની જહેમતના અંતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે મોરબીના ફડસર-આમરણ ગામ વચ્ચે કોઝવેમાં એક બાળક સહિત છ લોકો પાણીમાં ફસાયા ગયા હતા. જો કે સૌ પ્રથમ બે સ્થાનિક તરવૈયાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કોઝવેના પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરી હતી. પણ સફળતા ન મળતા અંતે આ બનાવની જાણ થતા તંત્ર દ્વારા રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટિમ રવાના કરવામાં આવી હતી. અને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી કોઝવેમાં ફસાયેલા એક બાળક સહિત છ લોકોનું કલાકોની જહેમતને અંતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

મોરબીના ફડસર અને આમરણ ગામ વચ્ચે આવેલા ધર્મેશ્વર મહાદેવના મંદિરે પાસેના કોઝવેમાં ગઈકાલે સાંજના સમયે ફડસર ગામના પોસ્ટમેન સહિત છ માણસો ચારે બાજુ પાણી ફરી વળતાં ફસાઈ ગયા હતા. જો કે વરસાદના લીધે આ સ્થળે પાણીનો પ્રવાહ વધુ હતો. કોઝવે પાસે કમર સુધી પાણી ભરાય ગયા હતા. આથી, આ બાળક સહિત છ લોકો કોઝવે પાસે પાણીના પ્રવાહમાં થોડા અંતરે કાપી શક્યા હતા. કોઝવે પાસે કમર જેટલા પાણી ભરાયા હોવાથી છ લોકો આગળ નીકળી શક્યા ન હતા. ગઈકાલે સાંજે છ વાગ્યે આ લોકો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાય ગયા બાદ સાંજે સાત વાગ્યે ગામલોકોને ખબર પડતાં ગામના બે કુશળ તરવૈયા દેવભાઈ રાજાભાઇ કુંભારવડીયા અને દેવાયતભાઈ ભૂરાભાઈ કુંભારવડીયાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને છ લોકોને બહાર કઢવાની ભારે મથામણ કરી હતી. પણ પાણીનો પ્રવાહ વધુ હોવાથી સફળતા મળી ન હતી.

આથી, ગામના સરપંચ બાબુભાઈ કુંભરવાડિયાએ તંત્રને જાણ કરતા ગઈકાલે રાત્રીના આઠ વાગ્યે એનડીઆરએફની એક ટીમ તેમને રેસ્ક્યુ માટે મોકલવામાં આવી હતી. તેમજ મોરબી તાલુકા મામલતદાર ડી. એ. જાડેજા તથા તાલુકા પી.એસ.આઈ. આર. એ. જાડેજા સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. NDRFની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ફસાયેલા છ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ તેઓને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે છ વાગ્યે આ છ લોકો ફસાય ગયા હતા. અને NDRFની ટીમે ભારે જહેમત કરીને બોટ દ્વારા રાત્રીના 12 વાગ્યે બચાવી લીધા હતા. જો કે વરસાદ વધે તો પાણીથી મોટી મુશ્કેલી સર્જાઈ તેમ હતી. પણ રાત્રે વરસાદ ન હોવાથી સફળતાપૂર્વક રેસ્ક્યુ પાર પાડવામાં આવ્યું હતું.

- text