મોરબીની મેઈન બજારમાં જર્જરિત મકાનના અમુક હિસ્સા બાદ આખો માંચડો ધરાશાયી

- text


સદ્નસીબે જાનહાની ટળી, તંત્ર હજુ મોટી દુર્ઘટનાની રાહ જોયા વિના કાર્યવાહી કરે તેવી આક્રોશ સાથે માંગણી

મોરબી : મોરબીની મેઈન બજાર ગઢની રાંગ પાસે આવેલું વર્ષો જુના જર્જરિત મકાનનો ઉપરનો અમુક હિસ્સો રવિવારે અચાનક ધરાશયી થયો હતો. આ ઘટનામાં એક મહિલાને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આજે મકાનનો આખેઆખો માંચડો ધરાશાયી થઇ ગયો હતો. બે વખત મકાનનો હિસ્સો પડી ગયા બાદ પણ સંબંધિત તંત્રએ બેદરકારી રાખી યોગ્ય કાર્યવાહી માટે ન ડોકાતા દુકાનદારો અને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની મેઈન બજારમાં આવેલ ગઢની રાંગ વિસ્તારમાં મોરબી પ્લાજા પાસેનું આશરે 70 વર્ષ જૂની મકાન ખખડી ગયું હોવાથી આ જર્જરિત મકાનનો ઉપરનો અમુક હિસ્સો નીચે પડ્યો હતો. જર્જરિત મકાનનો અમુક હિસ્સો ધરાશયી થતા એક મહિલાને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ બાબતે સાવચેતીના પગલાં ભરવા માટે તંત્રને જાણ કરાઈ હતી. પરંતુ જવાબદાર તંત્ર હજુ સુધી આ વિસ્તારમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે ફરક્યું નથી. ત્યારે આજે બપોરે ફરી મકાનનો આખેઆખો માંચડો પડી ગયો હતો. આ બજાર હંમેશા ધમધમતી રહે છે. પરંતુ બપોરના સમયે ભીડ ઓછી હોય છે અને સદ્નસીબે દુર્ઘટના વખતે નજીકમાં કોઈ હતું નહિ. તેથી, સદ્નસીબે જાનહાની થઇ નહતી. ત્યારે આ ખખડી ગયેલા મકાનથી હજુ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વિના તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી આક્રોશ સાથે માંગ ઉઠી છે.

- text

- text