પેટા ચૂંટણીની તૈયારીને લઈને મોરબીમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓની મિટિંગ

- text


જનતાનો ચુકાદો 5 વર્ષ કોના કારણે નથી ટકતો એ જનતા જાણે છે : અર્જુન મોઢવાડીયા

મોરબી : મોરબી-માળીયા મી.ના કોંગ્રસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પદ અને પાર્ટીમાંથી આપેલા રાજીનામાને પગલે ખાલી પડેલી ધારાસભાની બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે આજે કોંગ્રેસના અગ્રણી નેતાઓએ મોરબી ખાતે સ્થાનીય નેતાઓ અને કાર્યકર્તાઓની મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં કોંગ્રસના નેતાઓએ ભાજપ ખરીદ-વેંચાણ સંઘ છે એમ કહી ભારે ચાબખા માર્યા હતા.

ગત દિવસોમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રસના 8 ધારાસભ્યોએ કોંગ્રસમાંથી રાજીનામાં આપી દીધા બાદ એ પૈકીના 5 ધારાસભ્યોએ વિધિવત ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર બાદ હવે ધારાસભાની પેટા ચૂંટણી નિશ્ચિત બની છે ત્યારે મોરબી-માળીયા મી.ની બેઠક પરથી બ્રિજેશ મેરજાએ આપેલા રાજીનામાં બાદ મોરબી બેઠકની ચૂંટણી પણ નિશ્ચિત છે. આવનારી પેટા ચૂંટણી સંદર્ભે સંગઠન મજબૂત બનાવવા અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આજે મોરબીમાં ધામા નાખ્યા છે.

જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના નેતાઓ સ્થાનીય કાર્યકર્તાઓને મળીને સેન્સ પણ લેશે ત્યારે લલિતભાઈ કગથરાએ જણાવ્યું કે મોરબીમાં પાયાના અને લડાયક કાર્યકરને પસંદ કરીને તેને ટિકિટ અપાશે. મોરબી જિલ્લામાં મળી રહેલા જૂથવાદ અંગે પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં કગથરાએ જણાવ્યું હતું કે આ વખતે ચર્ચા કરીને ઘીના ઠામમાં ઘી પડી જશે. મોરબીના સિરામિકના સ્થાનીય ઉધોગના તેમજ ખેડૂતોના પ્રશ્નના જવાબમાં લલિતભાઈએ ઉમેર્યું હતું કે તમામ લોકોને રૂબરૂ મળી સમસ્યાનું નિરાકરણ કરવામાં ભાજપ ઉણો ઉતર્યો છે એ અમે જનમાનસમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું અને જનતા આ વખતે પણ બીજેપીને જડબાતોડ જવાબ આપશે એ નક્કી છે.

કોંગ્રેસના નેતાઓ પર હવે લોકો શા માટે ભરોસો કરે એવા એક પ્રશ્ર્નના જવાબમાં વિક્રમ માડમે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પર લોકોએ ભરોસો કર્યો હતો ત્યારે કોંગ્રેસના નેતાએ લોકોનો ભરોસો તોડ્યો છે કોંગ્રેસે લોકોનો ભરોસો તોડ્યો નથી કોંગ્રેસ તો એક વિચારધારા છે જે શાશ્વત છે લોકો હજુ પણ કોંગ્રેસ પર ભરોસો કરશે પણ કોંગ્રેસ અને મોરબીની જનતાનો ભરોસો તોડનાર મેરજા પર હવે લોકો ભરોસો ક્યારેય નહીં કરે એ હકીકત છે.

- text

આજે હવે વરસતા વરસાદમાં કોંગ્રેસના નેતાઓ દિવસ દરમ્યાન સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓને મળી તેઓનો મૂડ અને મિજાજ જાણવાનો પ્રયાસ કરશે ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ મોરબી-માળીયા મી.માંથી કોને ટિકિટ આપવા માટે રાજી થાય છે એના પર મોરબી-માળીયા મી.ના નાગરિકોની મીટ મંડાઈ છે.

- text