ટંકારામાં તંત્રએ પાન માવાના હોલસેલરો સાથે મિટિંગ યોજી

- text


હોલસેલરોને દુકાનો ખોલી તાત્કાલિક નાના દુકાનદારોને પાન-મસાલા, માવા, બીડી,તમાકુનો માલ આપવાની કડક સૂચના અપાઈ

ટંકારા : લોકડાઉન-4 પાન-માવા, તમાકુ, સિગારેટની છૂટ આપવા છતાં ટંકારામાં હજુ સુધી પાન-માવાની દુકાનો ખુલી ન હતી. લોકો અને નાના વેપારીઓમાં એવી ફરિયાદ ઉઠી હતી કે, પાન-માવાનું શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ કરનાર મોટા હોલસેલના વેપારીઓ અગાઉ કાળાબજાર કર્યા બાદ હવે વ્યાજબી ભાવે વેચાણ કરવામાં જીવ હાલતો ન હોય હજુ પણ કાળાબજાર કરવા માલની સંગ્રહાખોરી કરીને કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે ત્યારે આ મામલે મામલતદારે આજે હોલસેલના વેપારીઓ સાથે મીટીંગ યોજીને તાત્કાલિક નાના વેપારીઓને માલ સપ્લાય કરવાની સૂચના અપાઈ છે.

આજે મોરબી અપડેટ દ્વારા પાન માવાના વેચાણ મુદ્દે ટંકારામાં પાન-માવાની દુકાનો બંધ હોવા અંગે લાઈવ વીડિયો ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં વ્યસનીઓએ હોલસેલના વેપારીઓની માલ ન હોવાની ખોટી રોકકળ અંગે આક્રોશ ઠાલવ્યો હતો. મોરબી અપડેટના આ અહેવાલને પગલે ટંકારા મામલદાર હરકતમાં આવ્યા હતા અને માલ હોવા છતાં કાળાબજાર માટે દુકાનો બંધ રાખતા વેપારીઓ સામે લાલ આંખ કરીને તાત્કાલીક મામલતદારે આજે ટંકારાના હોલસેલના વેપારીઓ સાથે મીટીંગ યોજી હતી.

- text

જેમાં મામલતદારે વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે હવે વધુ ભાવો પડાવશો તો કાર્યવાહી થશે અને માલની સંગ્રહાખોરી ન કરવા તેમજ તાકીદે નાના વેપારીઓને માલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો આદેશ આપ્યા હતા જેથી હવે બીડીનો જથ્થો આવી જતા માલનું વિતરણ શરૂ કરવાનું નક્કી કરતા કાલથી ટંકારામાં પાન-માવાની દુકાનો ખુલી જશે. જ્યારે ટંકારા પાન-માવા વેપારી એસો.એ જણાવ્યું હતું કે હાલ તેમની પાસે જે માલ પડ્યો છે તેનું વિતરણ ચાલુ કરશે અને ઉપરથી જેમ જેમ જથ્થો આવતો જશે તેમ તેમ વિતરણ કરીશું.

- text