મોરબી : નિરાધાર શ્રમિકના પૈસા ચોરાઈ જતા પોલીસે વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી

- text


રસ્તે રઝળતો આ મજૂર ભૂખ્યો-તરસ્યો હોવાથી પોલીસે ભોજન કરાવી માનવતા મહેકાવી

મોરબી : મધ્યપ્રદેશથી મોરબી મજૂરી કામ કરવા આવેલા શ્રમિકના પૈસા અને ડોક્યુમેન્ટ ચોરાઈ જતા તે નિરાધાર બની ગયો હતો. તેમજ ભૂખ્યો-તરસ્યો રસ્તે રઝળતો હતો. પોલીસે તેની આપવીતી સાંભળી ભોજન કરાવી વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. આમ, પોલીસે માનવતાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું.

- text

લોકડાઉન શરુ થયું તેના થોડા સમય પહેલા જીતેન માલી નામનો એક યુવક એકલો મધ્યપ્રદેશથી મોરબી મજૂરી કામ અર્થે આવ્યો હતો. અને તે છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. તેવામાં લોકડાઉન લાગુ પડતા તે વતન જવા માટે નીકળ્યો હતો. પરંતુ બસ કે અન્ય કોઈ વાહનની વ્યવસ્થા ન થતા તે ત્રાજપર ચાર રસ્તા પાસે સુઈ ગયો હતો. ત્યારે ગત તા. 15ના રોજ તેની પાસે રહેલા રૂ. 3000, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વસ્તુઓ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. તેથી, તે ભૂખ્યો-તરસ્યો રસ્તે રઝળતો હતો. ત્યારે તૈનાત ટ્રાફિક પોલીસ અને પોલીસ પાસેથી તેને ખાવાનું માંગ્યું હતું. જયારે પોલીસે કારણ પૂછ્યું ત્યારે શ્રમીકે આપવીતી જણાવી હતી. તે જાણીને ટ્રાફિક જવાન દીપકસિંહ વાઘેલા, ક્રિપાલસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે સૌ પ્રથમ શ્રમિકને ભોજન-પાણી કરાવ્યા હતા. ત્યારબાદ શ્રમિકનું મેડિકલ સર્ટિફિકેટ કઢાવી મધ્યપ્રદેશમાં પોતાના વતન જવા માટે દાહોદ સુધીની બસની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ રીતે પોલીસે નિ:સહાય શ્રમિકની મદદ કરી માનવતા મહેકાવી હતી.

- text