મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રોઝાદારોને ફૂડ પાર્સલનું વિતરણ કરી રોજા ઈફ્તાર કરાવ્યા

- text


જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરી ‘સર્વ ધર્મ સમભાવ’ના સૂત્રને સાર્થક કર્યું

મોરબી : ભારતના અનેક ધર્મોના સહઅસ્તિત્વમાં સમાયેલી સમાનતા ઉપવાસ, સૌમ કે રોજા જેવી ધાર્મિક માન્યતાઓમાં પણ દેખાય છે. હિંદુ સમાજમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ અને મુસ્લિમ સમાજમાં રમજાન માસ આવા સુભગ સમન્વયની સાક્ષી પૂરે છે. ઉપવાસ, રોજા કે સૌમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસોમાં માત્ર ત્રીસ રોજા ગુનાઓને ધોવા અને ખુદાની ઇબાદતમાં લીન થવા ઓછા છે. તેથી જ દરેક મુસ્લિમ એ દિવસોમાં નૈતિક મૂલ્યોના આચરણ સાથે નમાજ, જકાત-ખેરાત દ્વારા સવાબ (પુણ્ય) કમાવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરેલ છે.

ગરીબ ગુરબા અને જરૂરતમંદ ઇન્સાનોને રોઝો છોડાવવામાં રહેલું પુણ્ય (સવાબ) અપાર છે માટે જ ઇસ્લામના અનુયાયીઓ રોજો છોડવા મોટા ભાગે મસ્જિદમાં ખાધ સામગ્રી લઇને જવાનું પસંદ કરે છે. જયાં ખુદાના તમામ બંદાઓ નાના-મોટા, અમીર-ગરીબ જેવા ભેદભાવોને ભૂલી જઇ એકસાથે ખુદાને યાદ કરે છે અને એક જ થાળમાંથી રોઝાની સમાપ્તિ સમયે જમે છે.જાણીતા લેખક ગુણવંત શાહે રોઝા અંગે કહ્યું છે કે “અલ્લાહના સાનિધ્યમા રહેવાનો પ્રયાસ એટલે રોઝો” રમજાન માસ આત્મ અવલોકનનો એક સુંદર અવસર પ્રદાન કરે છે. જેથી મનુષ્ય અંદર રહેલી બૂરાઈને દૂર કરી શકે છે. જો દરેક વ્યકિત આ રીતે પોતાની બૂરાઈ પર વિજય મેળવે તો સમાજ માંથી આપો આપ બુરાઈનો ખાતમો થઈ જશે અને માનવતા અને ભાઈચારાનો ઉદય થશે.

- text

ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર રમઝાન માસ નિમિત્તે કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સાવચેતીપૂર્વક મોરબી શહેર વિસ્તારોમાં અંદાજિત ૫૦૦ પરિવાર ફ્રૂટ સાથેનું ભોજન પાર્સલ ઘરે ઘરે જઇને (પોતપોતાના ઘરે રહીને જ) રોઝાદારો બિરાદરોને રોજા ઈફતાર કરાવી (છોડાવીને) ખુદાની બંદગી કરી તથા જરૂરિયાતમંદોને અનાજની ૨૦૦ કીટ વિતરણ કરી સંસ્કૃતિ અનુરૂપ વિવિધતામાં એકતા દર્શાવી સર્વ ધર્મ સમભાવનાની ભાવના પ્રગટ કરી હતી. જેનાથી ધાર્મિક સૌહાર્દનું વાતાવરણ પેદા થયું હતું. સહિષ્ણુતાની આગવી મિશાલ ઊભી કરી હતી. તેમ યંગ ઈંડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવેલ છે.

- text