મોરબીમાં હેરાન થતા બિનસીરામીક શ્રમિકો : ટ્રેનના રજિસ્ટ્રેશન માટે રોજ બદલાતી જગ્યા

- text


સીરામીક સિવાયના વતનમાં જવા માંગતા અન્ય રાજ્યોના મજૂરોના રજિસ્ટ્રેશન માટે પ્રથમ સ્વૈચ્છીક સંસ્થાઓને જવાબદારી સોંપાઈ ત્યારબાદ અચાનક તમામ કામગીરી સીરામીક એસોસિએશનને સોંપવાનો નિર્ણય લેવાયો અને હવે સીરામીક એસોસિએશન દ્વારા આ કામગીરી બંધ કરી અન્ય જગ્યાએ થશે, તેવી જાહેરાત કરતા મજૂરો ભારે પરેશાન

મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે જવાબદાર તંત્ર દ્વારા સારી કામગીરી કરાઈ છે. પરંતુ તંત્રના અમુક નિર્ણયના કારણે હાલમાં વતનમાં જવા માંગતા પરપ્રાંતના મજૂરો હેરાન થઈ રહ્યા છે.

ઔદ્યોગિક નગર મોરબીમાં લાખોની સંખ્યામાં અન્ય રાજ્યોના મજૂરો કામ કરી રહ્યા છે. લાંબા લોકડાઉનમાં બેકાર બનેલા આ મજૂરો હાલ પોતાના વતન જવા અધીરા બન્યા છે. જેમાં સીરામીકમાં કામ કરતા મજૂરોને ટ્રેન મારફત મોકલવાની વ્યવસ્થા તંત્રની સાથે મળીને સીરામીક એસોસિએશન દ્વારા કરવામાં આવી. ત્યારે સીરામીક સિવાયના અન્ય ઉધોગ અને છૂટક મજૂરી કામ કરતા અન્ય રાજ્યોના વતન જવા માંગતા મજૂરોના રજિસ્ટ્રેશનનો પ્રશ્ન આવતા મોરબીના તંત્રએ આ માટે સ્વૈચ્છિક સંસ્થાની મદદ લીધી આ કામગીરીની જવાબદારી સંસ્થાઓને સોંપાઈ હતી. જેમાં સંસ્થાઓ દ્વારા ઓનલાઈન અને ઓફલાઇન સર્વે કરી મજૂરોનું તેમની જગ્યા પર જઈ રજિસ્ટ્રેશન કરી 7 હજાર જેટલા મજૂરોનો ડેટા એકત્ર કરાયો હતો. સંસ્થાઓ દ્વારા આ કામગીરી વ્યવસ્થિત ચાલી રહી હતી ત્યાં અચાનક જ મોરબી જિલ્લા કલેકટર દ્વારા સીરામીક સિવાયના મજૂરોના રજિસ્ટ્રેશનની જવાબદારી સીરામીક એસો.ને સોંપી સીરામીક સિવાયના મજૂરોને રૂબરૂ સીરામીક એસો.ની ઑફિસે ટ્રેનમાં વતન જવા માંગતા સીરામીક સિવાયના મજૂરોને રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત કરી હતી. જેથી, મજૂરો કન્ફ્યુઝનમાં મુકાયા હતાં. અને તંત્રની જાહેરાત મુજબ સીરામીક એસો.ની ઑફિસે રજિસ્ટ્રેશન માટે હજારો મજૂરોએ કતારો લગાવી હતી. ત્યારે હજારોની સંખ્યામાં મજૂરો સીરામીક એસો.ની ઑફિસે ઉમટી પડતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. જેથી મોરબી સીરામીક એસો. દ્વારા સીરામીક સિવાયના મજૂરોના રજિસ્ટ્રેશન માટેની કામગીરી તાકીદે બંધ કરી હવેથી મજૂરોએ મહેન્દ્રનગર પાસે આવેલા આઈટીઆઈમાં કેન્દ્રમાં રજિસ્ટ્રેશન કરવા જવાની જાહેરાત કરતા ફરીથી વતન જવા માંગતા હજારો મજૂરો રઝળી પડ્યા હતા. આમ, તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન વગર સીરામીક સિવાયના વતન પરત જવા માંગતા મજૂરોના રજિસ્ટ્રેશન માટે ઘડી ઘડી નિર્ણયો બદલતા અંતે વતન જવાની વાટ જોઈ રહેલા સામાન્ય મજૂરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

સીરામીક એસો.ની ઑફિસે હવેથી સીરામીક સિવાયના મજૂરોનું રજિસ્ટ્રેશન નહીં થાય અને હવે તેઓએ ભાડાની રકમ સાથે આઈટીઆઈ કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવવું એવી તંત્ર દ્વારા કોઈ ઓફિસયલી જાહેરાત કરાઈ નથી. પરંતુ જેમને આ મજૂરોના રજિસ્ટ્રેશન જવાબદારી તંત્ર દ્વારા સોંપવામાં આવી છે તે સીરામીક એસો. દ્વારા સીરામીક સિવાયના મજૂરોને ટ્રેનમાં વતન જવા માટે રજિસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબની જાહેરાત કરવામાં આવી છે.

સન્માનિય મોરબીજનો,

પરપ્રાંતીય માણસો માટે વતન જવા માટે સિરામીક સિવાયના જ બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા માણસો ખેત મજુરો તથા છૂટક કામ કરતા શ્રમિકો પણ આ સેવા નો લાભ લઇ શકે તે માટે કોલસેન્ટરનુ આયોજન RSS અને જુદી જુદી સંસ્થા ના સંયુકત ઉપક્રમે ચાલુ કરેલ છે. ત્યારે વતન જવા માંગતા કોઈ પણ ઓરીસ્સા / બિહાર/ ઝારખંડ અને યુપી આ ચાર રાજયના પરપ્રાતીય માણસો ITI મહેન્દ્રનગર ખાતે આધાર કાર્ડ અને અંદાજીત ભાડુ ૯૦૦ ₹ વ્યિકતદીઠ સાથે લાવવા અને જો આખી ટ્રેન ના થાય તો તમે આપેલ રકમ પરત કરવામા આવશે તો ભાડુ અને આધારકાર્ડ સાથે સંપર્ક કરવો અને શકય હોય તો તેના ગ્રુપમાથી એક જ વ્યકિત આવે અને એક વોટસએપ વાપરનાર વ્યકિતના નંબર પણ સાથે લેતા આવે. અને આ તકે જણાવવાનુ કે મોરબીની વિવિધ સંસ્થાના બદલે હવે વ્યવસ્થા જળવાય અને નામ અલગ-અલગ જગ્યાએ ના નોંધાય તે માટે હવે ITI મહેન્દ્રનગર ખાતે જ આ કાર્ય થશે જેની નોંધ લેવી. હવે પછી મોરબી સિરામીક એશોસીએસન દ્વારા આજરોજથી કોલ સેન્ટર બંધ કરેલ છે અગાઉના નોંધાયેલ નામ અને રકમ પણ આ કોલ સેન્ટર ઉપર પહોચાડી દેવામા આવશે અને તે નામો ત્યા એડ થઇ જશે તો તેની ટીકીટની વ્યવસ્થા પણ ત્યા જ થઇ જશે જેની પણ નોંધ લેવી.

ખાસ નોંધ :- મોરબી સિરામિક એસોસિએશન તરફથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના માણસો માટે તેમના ઉધોગકારો દ્વારા ઓનલાઇન ફેકટરીથી પ્રકીયા ચાલુ છે. તો તેમને આઇટીઆઇ ખાતે કોઇ સિરામીક શ્રમીકે જવાનુ નથી ત્યા તેમને એન્ટ્રી આપશે નહી.

સ્થળ
ITI સેન્ટર, મહેન્દ્રનગર
મહેન્દ્રનગર – હળવદ રોડ
તારીખ:- ૧૨/૫/૨૦૨૦ થી ૧૫/૫/૨૦૨૦ સુધી
સમય:- સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી

કોન્ટેક્ટ નંબર
યુપી/બિહાર માટે – 93130 76862
ઓરીસ્સા/ઝારખંડ માટે -93130 71817

ગુગલ મેપ લીંક ITI સેન્ટર – મહેન્દ્રનગર

ITI Morbi
Morbi, Gujarat 363641

https://goo.gl/maps/hXHtE48gfDRaDSXg7

હાલ સીરામીક એસો. દ્વારા ઉપરોક્ત પ્રેસનોટ અપાઈ છે. જ્યારે આ મુદ્દે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલનો સંપર્ક કરવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

- text