મોરબીમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરાયો

- text


મોરબી : હાલમાં કોરોના વાયરસના પગલે દેશભરમાં બીજીવખત લોકડાઉન ચાલી રહ્યું છે. પ્રથમ લોકડાઉનથી જ તમામ હોટેલ-રેસ્ટોરન્ટ તથા મીઠાઈ-ફરસાણની દુકાનો બંધ છે. આથી, ખાણીપીણીની દુકાનોમાં રહેલો માલનો જથ્થો બગડી ગયો હોવાની સંભાવના છે. તેથી, આવા અખાદ્ય જથ્થાનો નાશ કરવો આવશ્યક છે. ત્યારે આજે મોરબીમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

- text

આજે તા. 29ના રોજ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની સૂચના અનુસાર નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ ની સૂચનાથી  સેનીટેશન ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા,  કૌશિક પ્રજાપતિ, મહેશભાઈ, રમેશભાઈ સહિતના સ્ટાફે ફૂડ ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવતની સાથે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર તપાસ હાથ ધરી હતી. આ ટીમે દુકાનો ખોલાવી દુકાનમાં રહેલ પડતર વાસી જથ્થાનો નાશ કરાવ્યો હતો. જેમાં આશરે કુલ 700 કિલોના વાસી માલના જથ્થાનો નાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હજુ આગામી દિવસોમાં પણ અન્ય ખાણીપીણીની દુકાનોમાં બગડી ગયેલા માલનો નાશ કરવાની કામગીરી ચાલુ રહેશે.

- text