મોરબીની જનતાને સરકાર તરફથી કરિયાણું આપવાના ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા

- text


મોરબીની જનતાને સરકાર તરફથી કરિયાણું આપવાના ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા

હકીકતમાં યંગ ઇન્ડિયા ગ્રુપ તરફથી સ્વૈચ્છિક રીતે માત્ર જરૂરિયાતમંદોને જ રાશનકીટનું વિતરણ કરવામાં આવનાર હોય ટીખળખોર તત્વોએ તેના નંબર નાખીને લોકડાઉનની ગંભીર સ્થિતિમાં નગરજનોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું

મોરબી : મોરબીની સ્વૈચ્છિક સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ તરફથી સ્વૈચ્છીક રીતે આવતીકાલ 26થી જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા માટે સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અમુક ટીખળખોર તત્વોએ મોરબીની જનતાને સરકાર તરફથી કરિયાણું આપવામાં આવશે તેવી પોસ્ટ બનાવીને વાયરલ કરી છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપનો નંબર નાખવામાં આવ્યો છે. જો કે રાશાનકીટનું વિતરણ માત્ર જરૂરિયાતમંદ લોકોને જ કરવાનું હોય ખોટી અફવા ફેલાવીને નગરજનોને ગેરમાર્ગે દોરનાર સામે યંગ ઇન્ડિયા ગ્રુપ કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

મોરબીમાં 21 દિવસના લોકડાઉન દરમિયાન રોજે રોજનું કમાઈને ખાતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો ન આવે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોના આર્થિક સહયોગથી આવતીકાલ તા.26થી જરૂરિયાતમંદોને ગ્રુપના સભ્યો રાશન કિટનું વિતરણ કરવામાં આવનાર છે. જેના માટે યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. અને જાગૃત નાગરિકોને પોતાની આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકો માટે રાશનકીટ મેળવવા સંપર્ક કરવા અનુરોધ કરાયો હતો. આ નંબર ઉપર જરૂરિયાતમંદ પોતે પણ રાશનકીટ મેળવવા માટે નામ નોંધાવી શકે છે તેવુ પણ જણાવાયું હતું.

- text

આ સેવાકાર્યમાં કોઈ ટીખળખોર તત્વોએ બાધારૂપ બનીને એવી પોસ્ટ વાયરલ કરી છે જેમાં જણાવાયું છે કે સરકાર દ્વારા મોરબીની જનતાને સહાયરૂપે કરિયાણું આપવામાં આવશે. આ કરિયાણું મેળવવા માટે ના સંપર્ક નંબરમાં યંગ ઇન્ડિયા ગ્રુપનો નંબર નાખવામાં આવ્યો છે. આ મામલે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે આ અફવા છે. સરકાર દ્વારા સહાય આપવાની પોસ્ટમાં જે નંબર લખવામાં આવ્યો છે. તે યંગ ઇન્ડિયા ગ્રુપનો છે. અને યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા કોઈ પણ સરકારી સહાય વગર સ્વૈચ્છિક રીતે માત્ર જરૂરિયાતમંદોને જ રાશન કીટ આપવામાં આવનાર છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે હાલ લોકડાઉનની સ્થિતિ છે. જરૂરીયાતમંદોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તેઓની જઠરાગ્નિ ઠારવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ સ્વૈચ્છિક રીતે રાશનકીટનું વિતરણ કરી રહી છે. આવા કપરા સમયમાં આવી અફવા ફેલાવવી અયોગ્ય ગણી શકાય. વધુમાં હાલની સ્થિતિમાં સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સામે તંત્ર કડક પગલા લઈ રહ્યું છે. માટે આ અફવા ફેલાવનાર સામે કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text