મોરબીની એલ. ઈ. કોલેજમાં લોક જાગૃતિ અર્થે બે દિવસીય ગ્રાહક સુરક્ષા શિબિર

- text


વર્તમાન સમયમાં ગ્રાહકોને સંબંધકર્તા સાઇબર ક્રાઇમ, ઈ-કોમર્સ, શુદ્ધ ખોરાક, આરોગ્ય સેવા જેવા વિષયો વિશે માર્ગદર્શન અપાશે

મોરબી : રાજ્ય/કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ન્યુ દિલ્હી તથા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આગામી તારીખ ૫ અને ૬ ફેબ્રુઆરીના રોજ સવારના 10:00થી સાંજના 5:00 દરમ્યાન લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ, મોરબીમાં ગ્રાહકોને જુદા-જુદા વિષયો ઉપર જાગૃતિ આપવાના હેતુથી બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે કેન્દ્ર સરકારના પ્રતિનિધી તરીકે ડો. સુરેશ મિશ્રા તથા ડો. મમતા પઠાનીયા પણ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપનાર છે.

આ સેમિનારમાં ગુજરાત સરકારના મંત્રી જયેશભાઇ રાદડીયા, કુવરજીભાઈ બાવળીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગ્રાહક સુરક્ષા વિભાગના વડા ડી. એલ. પરમાર તથા નરેન્દ્રભાઈ રાઠોડ, જિલ્લા કલેકટર જે.બી.પટેલ, મોરબી નગરપાલિકા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કોલેજના વિદ્યાર્થીઓને માહિતી આપવાના છે.

- text

આ સેમિનારનું સંપૂર્ણ સંચાલન રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી તથા એલ. ઈ. કોલેજના પ્રિન્સિપાલ સૌરભભાઈ પંડ્યા કરશે. આ સેમિનારમાં સાઇબર ક્રાઇમના નિષ્ણાંત નિકેતભાઈ પોપટ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપનાર છે. આ તકે શહેરીજનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text