વાંકાનેર : શિક્ષકના મકાનમાંથી રૂ.2.78 લાખની માલમતાની ઘરફોડી

- text


રાજકોટ તેમના ભૂતપૂર્વ વિધાર્થીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયાને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

વાંકાનેર : વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં રહેતા શિક્ષકના બંધ મકાનમાંથી તસ્કરો રૂ.2.78 લાખની માલમતાની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે શિક્ષક પરિવાર તેમના રાજકોટ રહેતા ભૂતપૂર્વ વિધાર્થીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો અને પાછળથી તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું હતું.શિક્ષકે આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

- text

આ ચોરીના બનાવની વાંકાનેર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા અને ગોંડલ ખાતે વિદ્યામંદિર હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ તાલાલાના વતની સુરેશભાઈ હમીરભાઈ નંદાણીયા પોતાનો પત્ની સહિતના પરિવાર સાથે ગત તા.31 ના રોજ રાજકોટ ખાતે રહેતા તેમના ભૂતપૂર્વ વિધાર્થીના લગ્નપ્રસંગે હાજરી આપવા ગયા હતા. પાછળથી તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.શિક્ષકના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકીને મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી કબાટને તોડી તેમાં અંદર રહેલા રોકડા ,સોનાના દાગીના,ટીવી ,ઈસ્ત્રી મળીને કુલ રૂ.2.78 લાખની માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.દરમિયાન ગઈકાલે તા.1 ના રોજ શિક્ષક પરિવાર રાજકોટ લગ્ન પ્રસાગમાંથી પરત આવતો હતો.ત્યારે રસ્તામાં શિક્ષકના પત્નીએ તેમના કામવાળા બેનને જાણ કરીને મકાનની સાફ સફાઈ કરી નાખવા જણાવ્યું હતું.આથી કામવાળા બેન તેમના ઘરની સફાઈ કરવા જતાં તેમના ઘરમાં સમાન વેરવિખેર પડેલો હોવાથી આ બાબતે તેમને જાણ કરી હતી.બાદમાં શિક્ષકે ઘરે પહોંચી મકાન મલિક અને કામવાળા બેનની હાજરીમાં મકાનમાં તપાસ કરતા રૂ.2.78 લાખના મુદ્દામાલની ચોરી થયાનું જાણવા મળ્યુ હતું.આથી આ બાબતે શિક્ષકે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

- text