મોરબીની વાવડી ચોકડી પાસે રોડ બ્લોક કરી કામ કરાતા કલાકો સુધી ટ્રાફિકજામ

- text


મોરબી રાજકોટ હાઇવેનું કામ રાત્રીને બદલે ધોળા દિવસે કરાતા ટ્રાફિકની ભારે અવ્યવસ્થા સર્જાઈ : ટ્રાફિકજામને પગલે વાહનોની મસમોટી કતારો લાગી

મોરબી : મોરબીની વાવડી ચોકડી પાસે મોરબી રાજકોટ હાઇવે પર રોડ બંધ કરીને ડામર રોડ બનાવવાની કામગીરી કરાતા ટ્રાફિકની ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને કલાકો સુધી અહીં ટ્રાફિકજામ સર્જાયો હતો.ટ્રાફિકજામને પગલે વાહનોની મસમોટી કતારો લાગી હતી.તેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

- text

મોરબીની વાવડી ચોકડી પાસે નીકળતા મોરબી રાજકોટ હાઇવેનું કામ ચાલી રહ્યું છે.જેમાં આજે ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.જોકે વાવડી ચોકડી પાસે મોરબી રાજકોટ હાઇવેના માર્ગને બ્લોક કરીને રાત્રીને બદલે ધોળા દિવસે ડામર રોડની કામગીરી કરાતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી હતી ડામર રોડની કામગીરી માટે રોડ બ્લોક કરાતા ટ્રાફિકજામ સર્જાયો હતો.તેથી વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી અને એકપણ વાહન ન નીકળી શકે તે હદે ટ્રાફિકજામ થઈ જતા અસંખ્ય વાહન ચાલકો ફસાયા હતા.જોકે વાવડી ચોકડી પાસેનો મુખ્ય રસ્તો હોય અસામાન્ય વાહન ઘસારો રહે છે.તેમજ મોડી સાંજના 7-30 વાગ્યાની આસપાસ સીરામીક ઉધોગકારોને પણ કામેથી છૂટીને ઘરે જવા માટે અહીંથી પસાર થતા હોય છે.ત્યારે આજે ટ્રાફિકજામ સર્જાતા સીરામીક ઉધોગકારો સહિતના અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.જોકે મોરબી રાજકોટ.હાઇવેને ફોરલેનની કામગીરી શરૂઆતથી અણઘડ રીતે અને નીતિ નિયમોને નેવે મૂકીને થતી હોવાથી વારંવાર ટ્રાફિકજામ થવાની સાથે વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ રહે છે.કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે આજે ટ્રાફિકજામ થતા વાવડી ચોકડીથી નવલખી કે વાવડી તરફ જઈ શકાય એમ નથી.જોકે ટ્રાફિક પોલીસે ટ્રાફિકને કિલિયર કરવાની કામગીરી હાથ ધરી છે.

- text