હળવડમાંથી દારૂ ભરેલો આખો ટ્રક ઝડપાયો : ૬૯૬૦ બોટલ સાથે બેની ધરપકડ

- text


૬૯૬૦ બોટલ દારૂ એક ટ્રક મોબાઇલ મળી રૂપિયા ૩૧.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

હળવદ : ગતરાત્રીના મોરબી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા શહેરની સરા ચોકડી નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. સાથે જ તેમાં રહેલ બે આરોપીઓને પણ ઝડપી લેવાયા છે. પોલીસ દ્વારા ૨૧.૬૪ લાખના દારૂ સાથે ૩૧.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ બંને આરોપીઓ તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. જેને પગલે એલસીબી પી.આઈ. વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઈ કાણોતરા સહિતનો પોલીસ સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામાં ધાંગધ્રા તરફથી ટાટા ટ્રક રજી.નંબર MH_48_BM-1128 હોટલ હરીદર્શન પાસે તાલપત્રી બાંધી પસાર થતા, જે શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ટ્રક ચાલકે ટ્રક હંકારી મુકી હતી. જેથી પોલીસ દ્વારા તેનો પીછો કરી ટ્રક અટકાવી તપાસ કરાતા તેમાં વિદેશી દારૂ ભર્યું હોવાનું ખુલવા પામ્યું હતું.

- text

જેથી, પોલીસ દ્વારા આરોપી દિનેશ કોહલારામ બિશ્નોઇ રહે. ડડુસણ, તા. સાચોર અને બળવંત સિંહ ઉર્ફે વિશાલ દાનુભા હમીરજી ઝાલા રહે. જીવા તા. ધાંગધ્રા વાળાની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઇ આવી ટ્રકમાં રહેલા ૬૯૬૦ બોટલ દારૂ કિંમત રૂપિયા ૨૧.૬૪ લાખ તથા ટ્રક રૂપિયા ૧૦ લાખ ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા ૧૫૦૦૦ મળી કુલ રૂપિયા ૩૧.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પૂછપરછ કરાતા દારૂ મોકલનાર અને દારૂ મંગાવનારના નામ ખુલ્યા હતા. જેમાં દારૂ મોકલનાર કાળુભાઈ બિશ્રિઈ રહે. ધોરીમન્ના જી. બાડમેર અને દારૂ મંગાવનાર પ્રદીપ સિંહ ઉર્ફે પદુભા ચંદુભા ઝાલા રહે. જીવા તા. ધાંગધ્રા વાળાના નામ ખૂલ્યા હતા. જેથી, તપાસમાં જે નામ બહાર આવ્યા છે તે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં મોરબી જિલ્લા એલ.સી.બી પોલીસના વી.બી.જાડેજા, ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, દિલીપભાઈ ચૌધરી, ધીરુભાઈ મકવાણા, ફતેસિંગ પરમાર સહિતનાઓ જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે તાલુકા બહારની પોલીસ અહીં દારૂ-જુગારની બદીને ડામવા કાર્યવાહી કરતી હોય છે ત્યારે મોટી માત્રામાં ઝડપાયેલ દારૂમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થાનિક પોલીસ પર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

- text