મોરબી : ઉમિયા પરિવાર દ્વારા 30મીએ સમૂહ લગ્નોત્સવ, એકસાથે 95 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે

- text


નાની વાવડી ખાતે 23મા સમૂહ લગ્ન માટે ચાલતી તડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ : દીકરીઓને કરિયાવરમાં 53 ચીજ-વસ્તુઓ અપાશે : સમૂહ લગ્ન વેળાએ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે

મોરબી : મોરબી અને માળિયા પંથકમાં સમૂહ લગ્ન અને ઘડિયા લગ્ન થકી સામાજિક ક્રાંતિ લાવનાર ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા. 30ના રોજ 23માં સમૂહ લગ્નોત્સવનું નાની વાવડી ગામે ઇશ્વરીયા મહાદેવની જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં એક સાથે 95 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે.

માળીયા-મોરબી તાલુકા ઉમિયા પરિવારની સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સફળતા પૂર્વક 22 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આગામી તા.30 જાન્યુઆરીના રોજ સંસ્થા દ્વારા 23માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન નાની વાવડી ગામમાં સ્થિત ઈશ્વરીયા મહાદેવ ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવ બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ બાબુભાઇ એચ. ઘોડાસરાના અધ્યક્ષસ્થાને યોજાશે. આ વેળાએ બગથળાના નકલંક મંદિરના મહંત દામજી ભગત અને નાની વાવડીના કબીરધામના મહંત શિવરામદાસ સાહેબ આશીર્વચન પાઠવશે. સમૂહ લગ્નમાં કુલ 95 જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડશે.

આ સમૂહ લગ્નોત્સવમાં તા. 29 જાન્યુઆરીના રોજ ગણેશ સ્થાપના/મંડપ મુર્હુતની વિધિ સાંજે 4 કલાકે કરાશે. તા. 30 જાન્યુઆરીના રોજ સવારે 6 કલાકે જાન આગમન, 6-30 કલાકે સામૈયું, 7-30 કલાકે હસ્તમેળાપ, 10 કલાકે આશીર્વચન, 11 કલાકે ભોજન સમારંભ તથા 12 કલાકે કન્યા વિદાયની વિધિ કરવામાં આવશે. આ લગ્નોત્સવમાં દરેક કન્યાને ચાંદીની મુદ્રા, સોનાનો દાણો, કબાટ, મિક્સર સહિતની કુલ 53 ભેટ અનેક દાતાઓના સહયોગથી આપવામાં આવશે. આ ઉપરાંત સમૂહ લગ્નની સાથે સેવાકાર્ય પણ કરવામાં આવશે. જેમાં લગ્ન સ્થળે જ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે. જેનો સમય સવારે 7:30થી 12 કલાકનો રહેશે.

- text

આ સમૂહ લગ્નને સફળ બનાવવા માળિયા- મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ઉપપ્રમુખ જયંતીલાલ પડસુંબિયા, મણિલાલ સરડવા, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, મંત્રી જયંતીલાલ વિડજા, સહમંત્રી કમલેશભાઈ કૈલા, મગનભાઈ અઘારા અને સહખજાનચી વિનોદભાઈ કૈલાના માર્ગદર્શન હેઠળ નાની વાવડીના ગ્રામજનો તેમજ કડવા પાટીદાર સમાજના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text