પોશ વિસ્તાર આલાપ પાર્ક સોસાયટીમાં પાણીની લાઈન તૂટતા વગર વરસાદે પાણી-પાણી!!

- text


બે દિવસથી તૂટેલી પાણીની લાઈનમાંથી મોટી માત્રામાં પાણીનો બગાડ : ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા આસપાસમાં પાણીના તલાવડા ભરાયા : તંત્રની ધોર બેદરકારીના કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ

મોરબી : મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાં છેલ્લા બે દિવસથી પાણીની પાઈપ લાઈન તૂટી ગઈ હોવાથી વગર વરસાદે પાણી- પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીની લાઈન તૂટતા આસપાસમાં પાણીના તલાવડા ભરાયા છે અને મોટી માત્રામાં પાણીનો ખોટી રીતે બગાડ થઈ રહ્યો છે. તેમ છતાં તંત્રએ કોઈ પગલાં ન ભરતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ ઉપર આવેલ આલાપ સોસાયટીના ગેઇટ પાસે નીકળતી પાણીની પાઇપ લાઈન બે દિવસ પહેલા તૂટી ગઈ હતી. આ બાબતે આલાપ પાર્ક સોસાયટીના રહીશોએ તંત્રની બેદરકારી મામલે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે તેમની સોસાયટીના ગેઇટ પાસે કોઈ કારણોસર પાણીની લાઈન તૂટી જતા તેમાંથી રીતસર પાણીનો ધોધ અવિરતપણે વહી રહ્યો છે અને દરરોજ પાણી મોટી માત્રામાં આલાપ સોસાયટીના ગેઉટ પાસેના રોડ ઉપર વહી જાય છે. પાણી મોટી માત્રામાં વહેતુ હોવાથી આસપાસમાં પાણીના નાના મોટા તલાવડા ભરાયા છે.જેથી સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં ભારે પરેશાની વેઠવી પડે છે. પાણીની લાઈન તૂટવાથી આ વિસ્તારમાં વગર ચોમાસે પાણી પાણી થઈ ગયું છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

- text

આલાપ પાર્ક સોસાયટીના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે જે જ્યારે પાણીની લાઈન તૂટીને પાણી વહી રહ્યું છે. તે જગ્યાનો રોડ થોડા સમય પહેલા સીસીરોડ બનાવ્યો હતો. પણ એ રોડ થોડા નબળો પડી ગયો છે હવે પાણીની લાઈન તૂટતા રોડ ઉપર પાણી ભરાવવાથી આ રોડ વધુ ખંડિત થાય છે. જો કે અગાઉ આ વિસ્તારના ડેન્ગ્યુએ આંતક મચાવ્યો હતો. હવે અહીં પાણી ભરાતા મચ્છરોના ત્રાસથી ફરી ડેન્ગ્યુનો ભય ડોકાય રહ્યો છે. સૌથી વધુ ગંભીર બાબત એ છે કે આ વિસ્તારમાં પાણીની લાઈન તૂટવાથી મોટી માત્રામાં પાણી વહી રહ્યું છે. છતાં જળ સંચય અને જળ એજ જીવનની દુહાય આપતું તંત્ર અહીં ખોટી રીતે થઈ રહેલા પાણીના બગાડને અટકવામાં કેમ કોઈ પગલાં ભરતું નથી તેમ કહીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

- text