પીપળી ગામે જુના મનદુઃખમાં યુવાનની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

- text


વર્ષ 2017ના હત્યાના બનાવમાં મોરબી કોર્ટનો દાખલારૂપ ચુકાદો

મોરબી : મોરબીના પીપળી ગામે એક યુવાનની જુના મનદુઃખ મામલે એક શખ્સે હત્યા કરી નાખી હતી. જો કે જે તે સમયે આ બનાવ અકસ્માતનો હોવાનું જાહેર થયા બાદ પીએમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વર્ષ 2017માં બનેલા આ હત્યાના બનાવનો આજે મોરબીની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આ કેસમાં દોષિત જાહેર કરી તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

- text

આ હત્યા કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી ગામે રહેતા રણજીતસિંહ મંગળુભા ઝાલાનું ગત તા 6.8.2017ના રોજ ગામ પાસેના મનીષ કાંટા પાસે અકસ્માતમાં મોત થયાનું જાહેર થયા બાદ તેમના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પીએમ રિપોર્ટમાં તેમની હત્યા થયાનું ખુલ્યું હતું. બાદમાં પોલીસની તપાસમાં ખૂલેલી વિગત મુજબ મૃતક રણજીતસિંહ ઝાલાને મનીષ કાંટા પાસે સંદીપ ઉર્ફે લાલો રમણિકભાઈ રજપુતે ધોકાથી હુમલો કરીને હત્યા કરી નાખી હતી. ઇંડાની લારીએ બન્ને ભેગા થયા બાદ જુના મનદુઃખમાં માથાકૂટ થતા સંદીપ ઉર્ફે લાલાએ આ હત્યા કરી નાખી હતી એ બનાવ અંગે જે તે સમયે મૃતકના ભાઈ દશરથસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ હત્યા કેસ આજે ઓઝા સાહેબની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલ્યા બાદ કોર્ટે 25 સાહેડને તપસ્યા અને ફરિયાદીની જુબાની અને આઇ વિટનેસ પ્રદીપસિંહ ઝાલાની જુબાની તેમજ મોરબી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ વિજય જાનીની ધારદાર દલીલોને આધારે આરોપીને કસૂરવાર ઠેરવીને તેને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ રૂ 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text