આજે ક્રિસમસનો તહેવાર : ઉજવીએ ખુશીઓનો વહેવાર

- text


હોય ભલે કોઈપણ ધર્મનો તહેવાર,
ઉજવીએ સૌ ખુશીઓનો વહેવાર.
હોય ભલે દરેક ધર્મના અલગ રંગ,
ખુશીઓનો ક્યાં હોય છે કોઈ રંગ.
ઈશને ત્યાં નથી હોતા ધર્મના ભેદ,
ઈશને મન તો માનવધર્મ સર્વશ્રેષ્ઠ.

( જાગૃતિ તન્ના ‘જાનકી’ ) આપણી રોજબરોજની જિંદગીમાં કંઈક નવીનતા લાવતા હોય તો એ છે તહેવાર. તહેવાર ભલે કોઈપણ હોય પણ અંતે તેનો હેતુ ખુશીઓ ને પ્રેમ મેળવવાનો અને વહેંચવાનો જ હોય છે. ને એમાં પણ આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે જ કદાચ આપણા દેશને ભારત માતા ની ઉપમા અપાય છે, જયાં વિવિધ ધર્મના લોકોનો કોઈપણ ભેદભાવ વગર સમાવેશ થાય છે. ક્રિસમસ-નાતાલ જે આમ તો ખ્રિસ્તીઓનો તહેવાર છે પણ સર્વ ધર્મ સમભાવની ભાવના ધરાવતા અનેક લોકો દ્રારા ઉત્સાહભેર તેની ઉજવણી કરવામાં આવે છે અને કરવી પણ જોઈએ કેમ કે, ધર્મ ભલે અલગ હોય, તહેવારના સ્વરૂપ અને નામ ભલે અલગ હોય પણ ઈશ્વર તો એક જ છે ને, આપણે ઈશ્વર ને અલગ અલગ સ્વરૂપમાં પૂજીએ છીએ પણ ઈશ્વરને મન તો માનવધર્મ જ સર્વ શ્રેષ્ઠ છે. ઈશ્વર બહુ સહજ છે. તમે ક્રિસમસની ઉજવણી ચર્ચામાં જઈને મીણબતી પ્રગટાવીને કદાચ ન કરી શકો પણ મંદિરમાં જઈને દિવો પ્રગટાવીને કરો તો પણ પ્રાર્થના કબૂલ થતી હોય છે. બસ શરત એટલી કે મન સાચું હોવું જોઈએ. ઈશ્વરને મન તો આપણા મનનો ભાવ જ મહત્વનો હોય છે. માટે દરેક તહેવારની ઉજવણી આપણી રીતે કરતા રહેવું જોઈએ,  ખુશ રહેવું જોઈએ, ખુશીઓ વહેંચવી જોઈએ, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ, ઈશ્વરનો આભાર માનવો જોઈએ કેમ કે દરેક ધર્મના રંગ ભલે અલગ હોય પણ ખુશીઓનો ક્યાં કોઈ રંગ હોય છે, પ્રાર્થનાના પ્રકાર ભલે અલગ હોય પણ ઈશ્વર પ્રત્યેનો ભક્તિભાવ તો એક જ હોય છે.

હવે ક્રિસમસના તહેવાર વિશે વાત કરીએ તો આજનો દિવસ 25 ડિસેમ્બર પ્રતીક બની ગયું છે, ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે. ક્રિસમસનો મહિમા ધાર્મિક પ્રણાલિકા પ્રમાણે એમ મનાય છે કે ઈસુ ખ્રિસ્ત, દૈવત્વનો અવતાર છે. જયારે પૃથ્વી પર અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, લોભ, તિરસ્કાર, પાખંડ અને અન્ય સમસ્યાઓ વધી  ત્યારે ઈસુ ખ્રિસ્તનો કુમારિકા મેરી થકી જન્મ થયો. ઈસુ ખ્રિસ્તે વિશ્વભરના મનુષ્યોનું પરિવર્તન કર્યું.

- text

ક્રિસમસના તહેવારમાં ક્રિસમસ ટ્રી અને સાન્ટા ક્લોઝ બહુ પ્રચલિત છે. સાન્ટા ક્લોઝનું નામ લેતાં જ આપણા મનમાં સફેદ દાઢી, લાલ ડ્રેસ, માથા પર ટોપી, ચહેરા પર સ્મિત અને ખભા પર ગીફટનો થેલો લટકાવેલ વ્યક્તિ નું ચિત્ર ઊભું થાય અને એમાં પણ સાન્ટા બાળકોમાં તો ખૂબ જ પ્રિય. ક્રિસમસ ના દિવસે તમામ બાળકો સાન્ટા ક્લોઝની અધીરાઈપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. સાન્ટા ની ઉત્પતિ વિશે કોઈને કંઈ ખબર નથી, લોકો માને છે કે સેન્ટ નિકોલસ જ સાન્ટા નું અસલી રૂપ છે. જે એક પાદરી હતા અને બાળકો ને ખૂબ જ પસંદ કરતા અને ભેટ આપતા હતા.

સાન્ટા ક્લોઝ પાસેથી આપણને બે વસ્તુ ઓ શીખવા મળે છે એક કે ખુશીઓનો કોઈ ધર્મ નથી હોતો,  સાન્ટા દરેક બાળકોની વિશ પૂરી કરતા હોય છે અને બીજું કે કોઈને કંઈક આપવાથી વહેંચવાથી ખુશી બમણી થતી હોય છે.

હવે વાત કરીએ ક્રિસમસ ટ્રી ની તો ક્રિસમસના દિવસે તેને અલગ અલગ રીતે સજાવી ને ઘરમાં રાખવામાં આવે છે. જેમાં ગીફટ લટકાવવામાં આવે છે. ક્રિસમસ ટ્રી ની સજાવટ પાછળ એક બીમાર બાળક જોનાથન ની વિશ જોડાયેલ છે વર્ષ 1912 માં જયારે જોનાથન ખૂબ બિમાર પડયો હતો ત્યારે તેને પિતા પાસે ક્રિસમસ ટ્રી ને સજાવવાની વિનંતી કરી પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે તેમણે ક્રિસમસ ટ્રી ને ફૂલો, પાંદડા, રંગબેરંગી કાગળ અને ફળ સાથે સજાવ્યુ ત્યારથી વિશ્વભરમાં ક્રિસમસ ટ્રી ની અલગ અલગ રીતે સજાવટ કરવાની પ્રથા ચાલી આવી છે.

તો ચાલો આજે ક્રિસમસનો તહેવાર ઉજવીએ, ખુશીઓનો વહેવાર ઉજવીએ. આજે ક્રિસમસના દિવસે ભલે સાન્ટા ક્લોઝની જેમ અનેકના ચહેરા પર સ્મિત ન લાવી શકીએ પણ કોઈ એક ના ચહેરા પર સ્મિત લાવી શકીએ તો પણ ક્રિસમસની ઉજવણી સાર્થક થઈ ગણાય.

આજનો ક્રિસમસનો તહેવાર દરેકના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવે એવી ભાવના સહ અંતમાં એટલું જ કહીશ કે,

સૌના દુઃખ હરે ઈશ્વર, અલ્લાહ, જિજસ
ને આપે ખુશીઓ, પ્રેમ, સુખ-શાંતિ અનંત
જાનકી પાઠવે શુભેચ્છાઓ ‘મેરી ક્રિસમસ’
ન આવે કોઈના જીવનમાં ખુશીઓનો અંત…

  • જાગૃતિ તન્ના “જાનકી

- text