મોંઘા ભાવના ઓસ્ટ્રેલિયન કોલસા ચોરીના કૌભાંડની ટંકારામાં ફરિયાદ નોંધાઈ

- text


ગાંધીધામથી ઈમ્પોર્ટ કોલસો ભરીને નીકળતા ટ્રક દીઠ આશરે 50 હજારના કોલસાની થતી હતી ચોરી : મોટા માથા સંડોવાયા હોવાની ચર્ચાથી ખળભળાટ

ટંકારા : ઓસ્ટ્રેલિયાથી ઈમ્પોર્ટ કરાયેલા મોંઘા ભાવના કોલસાની ચોરીનું મસ મોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીધામના એક વેપારીએ આ બારામાં ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન આ કૌભાંડ વ્યાપક પ્રમાણમાં ફેલાયું હોવાની વિગતો મળી રહી છે.

ગાંધીધામના હર્ષકુમાર ભવનકુમાર મોર ઉં.વ. 29 નામના મારવાડી યુવા વેપારીએ ટંકારા પોલીસ મથકમાં 4 શખ્સો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન બહાર આવેલી હકીકત અત્યંત ચોંકાવનારી છે.

ગાંધીધામ ખાતે ઓસ્ટ્રેલિયન કોક તરીકે ઓળખતો કોલસો આયાત થાય છે. આ કોલસાની એક ટનની કિંમત આશરે 25000 રૂપિયા હોય છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આ કોલસો સ્થાનિક ટ્રક મારફતે મોકલાય છે ત્યારે અમુક ટ્રક ડ્રાયવરો રસ્તામાં આ ટ્રકમાંથી આશરે 2 ટન જેટલો કોલસો કાઢીને બારોબાર વેંચી નાંખે છે. ત્યાર બાદ વજન સરભર કરવા ટ્રકમાં ભરેલ કોલસામાં માટી અને પાણી ભેળવી દેતા હોવાનું સામે આવ્યું છે.

- text

પોલીસને મળેલી આવી ફરિયાદ બાદ તપાસ કરતા ઘણા વે-બ્રિજ સંચાલકોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. ગાંધીધામથી ભાવનગર સ્થિત નિરમા કંપનીમાં મોકલાયેલા ટ્રકમાં આવી ગોલમાલ સામે આવતા એક ટ્રક નંબર GJ 12 AU 5382 ઝપ્ત કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ગેમારા રામાભાઈ, રહે. બાડમેર, રાજસ્થાન, હિતેષ જાદવજી પટેલ, ચેતનસિંહ જાગુભાઈ હટીલા રહે.મૂળ એમ.પી. હાલ લજાઈ, ટંકારા, ભાવેશ પટેલ રહે. મોરબી વિરુદ્ધ IPC કલમ 407, 120 બી (કાવતરું રચવું), 411 (છેતરપિંડી કરવી) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસમાં ખુલે એ તમામ સામે કાર્યવાહી કરવાનો ધમધમાટ ટંકારા પોલીસે શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે એક ટ્રકમાં 20થી 22 ટન કોલસો ભરવામાં આવે છે. ત્યારે આશરે 2 ટન કોલસા ટંકારામાં એક ગોડાઉન ભાડે રાખી ત્યાં ઉતારીને સસ્તા ભાવે વેંચી રોકડી કરી લેવા માટે આખી સિન્ડિકેટ કામ કરતી હોવાની આશંકા જોવાઇ રહી છે. હાલ તો પોલીસે આ બાબતે વધુ ખુલાસો કરવા માટે અસમર્થતા દર્શાવી છે. પરંતુ આવનારા દિવસોમાં કોલસા ચોરીનું બહુ મોટું રેકેટ બહાર આવવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

- text