મોરબી : બેંકોમાંથી પૈસા ઉપાડીને નીકળેલા લોકોને નિશાન બનાવી ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ

- text


એ ડિવિઝન પોલીસે રૂ. 2 લાખની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ મહિલાની ધરપકડ કરી : ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલા ગેંગ બેંકની બહાર પૈસાની થેલી કે પર્સ કાપી તેમાંથી પૈસા ચોરી કરીને રફુચક્કર થઈ જતી

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેન્કમાંથી રૂપિયા ઉપાડીને બહાર નીકળેલા દંપતિના પર્સને કાપીને કોઈ રૂ. 2 લાખની ચોરી કરી ગયું હતું. બનાવની તપાસ બાદ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર મહિલા ગેંગની ત્રણ સભ્યોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે મોરબી સિટી બી ડિવિઝન વિસ્તારમાં આવેલી દેના બેન્કમાંથી એક દંપતિ રૂપિયા ઉપાડીને તેને પર્સમાં નાખીને જતું હતું. આ રૂપિયા પર્સ કાપીને કોઈ ચોરી જતા તેને રૂ. 2 લાખની ચોરી થયાની એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી હતી. જેમાં ત્રણ ચોક્કસ મહિલા આ દંપતિની રેકી કરતા જોવા મળી હતી. અને બેંકની બહાર તેમનો પીછો કરીને રિક્ષામાં તેમની સાથે બેઠેલી જોવા મળી હતી. માટે પોલીસે તુરંત જ આ ત્રણ મહિલાઓની શોધખોળ આદરી હતી.

આ ત્રણેય મહિલાઓ ક્રુઝર મારફતે મોરબીથી રાજકોટ જવા નીકળી હોવાની ચોક્કસ જાણના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે રાજકોટ સિટી બી ડિવિઝન પોલીસના જવાનોની મદદથી તેમને પકડી પાડી હતી. મોરબી પોલીસે કામિબેન ઉર્ફે રાજકુમારી ભગવાનસિંગ રામદયાલ શાસી, બિંદોબેન પરબતભાઇ હીરાભાઈ શાસી અને ગુંજાબેન મનદીપભાઈ ઉર્ફે મનુ મનોજભાઈ શાસીની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપી હતી કે તેઓએ પર્સને કાપીને રૂ. 2 લાખની ચોરી કરી હતી. આ દરમિયાન પોલીસે ચોરાયેલ રૂ. 2 લાખની રકમ રિકવર પણ કરી હતી.

- text

ઇ ગુજકોપ પોકેટકેપના આધારે પકડાયેલ ત્રણેય મહિલા ઉપર રાજપીપળા, વડોદરા, પાદરા અને ઝાલોદમાં ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.આ ત્રણેય મહીલાઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પચોર તાલુકાના કડીયા શાસી ગામની છે. બેંકોમાંથી પૈસા ઉપાડીને નીકળેલા વ્યક્તિઓના થેલા, પર્સ કે ખિસ્સા કાપીને ચોરી કરવામાં આ ગામના લોકોની મોડેસ ઓપરેન્ડી છે. તેમજ લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને જઈને સોનાચાંદીના ઘરેણાં ઉપરાંત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશને જઈને મુસાફરોની નજર ચૂકવી રોકડની ચોરી કરવી પણ આ ગામની મોડેસ ઓપરેન્ડી છે. આ ગેંગ શાસી( કડીયા) તરીકે ઓળખાય છે.

હાલ તો મોરબી પોલીસે આ ગેંગની રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ આદરવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં તમામ જિલ્લાઓને આ ગેંગના ફોટા મોકલીને તેમની મોડેસ ઓપરેન્ડીથી વાકેફ કરવામાં આવશે. મોરબી કે સૌરાષ્ટ્રમા આ ગેંગે કોઈ ગુના આચર્યા છે કે કેમ તેમ અંગેની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે.

આ કામગીરીમા પીઆઇ ચૌધરી ,પીએસઆઇ બી.ડી.પરમાર, એએસઆઈ મણિલાલ ગામેતી, હેડ કોન્સ.રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખરભાઈ મોરી, મહેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નિર્મળસિંહ જાડેજા, ચકુભાઈ કરોતરા, જયપાલભાઈ લાવડીયા, અજીતસિંહ પરમાર, ભરતભાઇ ખાંભરા, રવિરાજસિંહ ઝાલા, હિતેશભાઈ કુવરિયા, ફતેહસિંહ પરમાર તેમજ મહિલા પોલીસ કોન્સ. શારદાબેન સાપરા, નેહલબેન ડોડિયા, રીટાબા ઝાલા સહિતના રોકાયેલ હતા.

- text