મોરબીમાં લગ્નપ્રસંગમાંથી રૂ. 7.11 લાખના દાગીનાની ચોરી કરી ટેણીયો છું

- text


દંપતિ કન્યાદાન આપવા બેઠું હતું ત્યારે તૈયાર થઈને મહેમાનના વેશમાં તેમની પાછળ બેઠેલો ટાબરીયો કળા કરી ગયો

મોરબી : મોરબીના ભરતનગર ગામ પાસે આવેલા એક પાર્ટીપ્લોટમાં ચાલી રહેલા લગ્નપ્રસંગને એક ટેણીયાએ બગાડી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ ટેણીયો કન્યાદાનમાં આપવામાં આવનાર રૂ. 7.11 લાખના દાગીના ભરેલું પર્સ લઈને છું થઈ ગયો હતો. હાલ તો આ ટેણીયાનો શોધવા પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસેના પાર્ટી પ્લોટમાં મોરબીના ફ્લોરહાઉસમાં રહેતા ચમનભાઈ અંબારામભાઇ મારવાણીયાની દીકરીનો લગ્નપ્રસંગ રાખવામાં આવ્યો હતો. હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામેથી રૈયાણી પરિવાર જાન લઈને આવ્યો હતો. ત્યારે આ પ્રસંગની અંદર તસ્કર ટેણીયાની ટોળકી પણ આવી ચડી હતી અને ચમનભાઈ પટેલ તેઓના પત્ની સાથે લગ્ન વિધિ દરમિયાન જ્યારે કન્યાદાન દેવા માટે બેઠા હતા તે વેળાએ ચમનભાઇના પત્ની પાસે રહેલ સોનાના દાગીના ભરેલ પર્સ તેઓની બાજુમાં મૂક્યું હતું. આ સમયે તેઓની પાછળ બેઠેલ અજાણ્યો ટેણીયો આ પર્સ ઉઠાવીને રફુચકકર થઇ ગયો હતો જેની જાણ થતાની સાથે જ પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને પોલીસને પણ જાણ કરાઇ હતી.

- text

આ મામલે ચમનભાઈ અંબારામભાઈ મારવણીયાએ તાલુકા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ રૂ. 7,11,977ની કિંમતના સોના ચાંદીના ઘરેણાં ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ અને લગ્નપ્રસંગમાં થતા વીડિયો રેકોર્ડીંગની મદદથી શોધખોળ આદરી છે. આ તપાસ પીએસઆઇ આર.એ.જાડેજા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text