મોરબીમાં ડીડીઓની અધ્યક્ષતામાં પેન્શન સપ્તાહની ઉજવણી

- text


નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી, નાયબ કલેકટર એચ. જી. પટેલ અને જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરાની ઉપસ્થિતિ

મોરબી : મોરબી નગર પાલીકા ટાઉનહોલ મધ્યે આજે તા. 30 નવેમ્બરના રોજ શનિવારે પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત પેન્શન સપ્તાહની ઉજવણી માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ પેન્શન સપ્તાહની ઉજવણી પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે જેમ સંગઠીત ક્ષેત્રોમાં કાયદા હેઠળ વિવિધ લાભો મળે છે, તે રીતે હવે બીન સંગઠીત ક્ષેત્રમાં પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ શ્રમયોગીઓને નિવૃતિ બાદ લઘુમત રૂ. ૩૦૦૦ પેન્શન આપવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લાભાર્થીઓને વહેલી તકે આ યોજનાનો લાભ લેવા પણ વિનંતી કરી હતી. આ પ્રસંગે નાયબ શ્રમ આયુકત-રાજકોટ ડી. જે. મહેતાએ પ્રાસંગીક પ્રવચન આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિવૃતિ કાળમાં શ્રમયોગીઓને આર્થીક મદદ મળી રહે તેવું આયોજન કરાયું છે. આમ, તેઓએ વાવશો તેવુ લણશો એમ કહીને ઉપસ્થિત લાભાર્થીઓને આ સ્કીમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સામાજિક સુરક્ષા પ્રદાન કરતી પેન્શન સ્કીમના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ આપી પેન્શન સ્કીમના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે દિલ્હીથી કેન્દ્રીય મંત્રી સંતોષકુમાર ગંગવાર દ્વારા લાઈવ વેબ કાસ્ટીંગ પ્રસારણના માધ્યમથી લાભર્થીઓને પેન્શન સપ્તાહની ઉજવણી અંગે માહિતગાર કરાયા હતા.

- text

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી, નાયબ કલેકટર એચ. જી. પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા, મોરબી સીટી મામલતદાર એચ. જી. રૂપાપરા, મોરબી ગ્રામ્ય મામલતદાર ડી. જે. જાડેજા, એલ.આઈ.સી.ના રીજીયોનલ મેનેજર દત્તા સહિતના સ્થાનીક અગ્રણીઓ, સંબંધિત વિભાગોના અધિકારીઓ, લાભાર્થી શ્રમયોગી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- text