મોરબી : સામાકાંઠે વધુ 11 ખાણી-પીણીની રેંકડીઓ સામે પોલીસની તવાઈ

- text


મોરબી : ટ્રાફિકથી સતત ધમધમતા સામાકાંઠે આવેલા ગેંડા સર્કલ પાસે નાસ્તાની રેંકડીઓ રાખી ધંધો કરતા રેંકડીધારકો સામે મોરબી બી.ડીવી.પોલીસે સતત બીજા દિવસે કાર્યવાહી કરીને 11 ધંધાર્થીઓ સામે આઈ.પી.સી. કલમ 283 મુજબ કાર્યવાહી કરી હતી. આથી ખાણી-પીણીનો નાનો-મોટો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા ધંધાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી છે.

- text

મોરબીના સામાકાંઠે આવેલા ગેંડા સર્કલ પાસે ખાણી-પીણીની રેંકડીઓ રાખી ધંધો કરતા 13 રેંકડીધારકો સામે ટ્રાફિકને અડચણરૂપ થાય અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાય એ માટે જવાબદાર માની ગઈ કાલે આઈ. પી.સી.ની કલમ 283 મુજબ કાર્યવાહી કરી તમામની સામે ગુન્હો નોંધાતા રેંકડીધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે બીજા દિવસે ફરી એક વાર બાકી બચેલા પૈકી 11 રેંકડીધારકો સામે દંડનીય કાર્યવાહી કરાતા રોજનું રળી ખાતા ધંધાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે.

ગેંડા સર્કલ પાસે મોડી રાત સુધી નાસ્તાની રેંકડીઓ પર લોકોની સતત અવર જવર રહે છે. નાસ્તો કરવા આવનાર તેઓના વાહનો રસ્તાની આજુબાજુમાં આડેધડ પાર્ક કરતા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે એવું જણાવી પોલીસે કાયદાનો દંડો ઉગામીને રેંકડીધારકોને ઉપરોક્ત સ્થળેથી સતત બીજા દિવસે પણ ખદેડયા હતા. જોકે રેંકડીધારકો આ કાર્યવાહીથી નારાજ જણાતા હતા અને પોતાની વ્યથા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

- text