મોરબી : કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ વચ્ચે મતભેદ, અન્ય સંગઠનના નેજા હેઠળ આવેદન અપાયું

- text


ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસે ખેડુતોના પ્રશ્ને મોરબીમાં રેલીનું એલાન કર્યું હતું પરંતુ આજે રેલી ગુજરાત કિસાન સંગઠનના નેજા હેઠળ નીકળી અને સ્થાનિક કોંગી ધારાસભ્યો અને કિસાન કોંગ્રેસના ચેરમેનની સૂચક ગેરહાજરી

મોરબી : મોરબી જિલ્લામા લીલો દુષ્કાળ જાહેર કરવા મામલે આજે પ્રદેશ કિશાન કોંગ્રેસે સમિતિ દ્વારા રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ જાહેર થયો હતો. પરંતુ આજે કોંગ્રેસ આગેવનોએ કિસાન કોંગ્રેસના બદલે અન્ય સંગઠનના નેજા હેઠળ આવેદન આપતા કોંગ્રેસના આંતરિક મતભેદો સપાટી પર આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક કોંગ્રેસ સંગઠનને વિશ્વાસમાં લીધા વગર પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિએ આવેદન અને રેલી યોજવાની જાહેરાત કરી દેતા ગજગ્રાહ સર્જાયો હતો. જેથી અંતે આબરૂ સાચવવા માટે અન્ય સંગઠનના નેજા હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા સ્થાનિક કોંગી ધારાસભ્યો અને કિસાન કોંગ્રેસના ચેરમેનની સૂચક ગેરહાજરી રહી હતી.

મોરબી જિલ્લામાં આ વર્ષે ચોમાસુ ભરપૂર રહ્યું છે. બે વખત ભારે વરસાદ પડવાથી ખેતરો ધોવાઈ ગયા હતા અને પાક સમૂળગો નાશ પામ્યો હતો. આ અતિવૃષ્ટિથી થયેલી નુકશાનીના સર્વમાં ખેડૂતોને અન્યાય સહિતની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ એકજુટ થઈને કિસનોના પ્રશ્ને આવાજ ઉઠાવે તે જરૂરી છે. પરંતુ હાલ તો કોંગ્રેસ જ પોતાની આંતરિક મતભેદોમાં ગુંચવાયેલી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળ્યો હતી. જેમાં ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબીમાં રેલી કાઢી મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવાનો બે દિવસ પૂર્વે કાર્યક્રમ જાહેર કર્યો હતો. જો કે આ કાર્યક્રમ આજે યોજાયો હતો. પરંતુ તેમાં આગેવાની ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ સમિતિની બદલે ગુજરાત કિશાન સંગઠનની રહી હતી.

અગાઉ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં તેમજ જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં આજે ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ કાર્યક્રમ યોજાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. વધુમાં આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને કોંગી આગેવાન કે.ડી. બાવરવા સહિતના કોંગી નેતાઓ જ હાજર રહ્યા હતા. કુલ 40 થી 50 જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યારે સ્થાનિક કોંગી ધારાસભ્યો તેમજ પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલ આંબલિયાની સૂચક ગેરહાજરી રહી હતી.

- text

આ અંગે પ્રદેશ કિશાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલ આંબલિયાને પૂછતાં તેઓએ કહ્યું હતું કે તેઓને સામાજિક કાર્યમાં જવાનું હોવાથી તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. જ્યારે કેમ કિસાન કોંગ્રેસના બદલે અન્ય સંગઠનના નેજા હેઠળ આવેદન આપ્યું તેના જવાબમાં આ અંગે સ્થાનિક આગેવાનોને પૂછો એમ જણાવ્યું હતું. જ્યારે ગુજરાત કિશાન સંગઠનના હોદ્દેદાર કે.ડી.બાવરવાને આ અંગે પૂછતા તેઓએ કહ્યું કે અગાઉ કિશાન કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ તેના ચેરમેન પાલ આંબલિયા હાજરી ન આપી શકતા કિસાન કોંગ્રેસનું લેટરપેડ ન હોવાથી અન્ય સંગઠનના નામે આવેદન આપવામાં આવ્યું હતું.

જોકે આ મામલે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ હકીકતમાં ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ સમિતિએ સ્થાનિક જિલ્લા કોંગ્રેસ સંગઠનને વિશ્વાસમાં લીધા વગર કે જાણ કર્યા વગર જ કાર્યક્રમનું એલાન કરી નાખ્યું હતું. જેથી સ્થાનિક જિલ્લા કોંગ્રેસ નારાજ થયું હતું. જેથી કિસાન કોંગ્રેસ અને સ્થાનિક કોંગી ધારાસભ્યોએ રેલીમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. અને જાહેરાત કરી દીધી હોવાથી આબરૂ સાચવવા માટે ગુજરાત કિશાન સંગઠનના નામે આવેદન આપવાનો અને રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


- text