આરીફ મીરને મારી નાખવા શૂટરોને હિતુભાએ રૂ. 5 લાખની સોપારી આપી હતી

- text


મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી હિતુભાનો અમદાવાદથી કબજો મેળવી રિમાન્ડ દરમિયાન અનેક વિગતો પ્રકાશમાં આવી

મોરબી : મોરબીમાં માથાભારે મુસ્તાક મીરની હત્યાના આરોપી અને મુસ્તાકના ભાઇ આરીફ મીર ઉપર ફાયરિંગ કેસમાં વોન્ટેડ શનાળાના હિતુભા ઝાલા સહિતના 5 શખ્સોને એટીએસએ પકડી પાડ્યા હતા. બાદમાં મોરબી એ ડિવિઝન પોલીસે હિતુભાનો કબજો મેળવીને તેમને રિમાન્ડ મેળવયા હતા. રિમાન્ડ દરમિયાન તેઓએ આરીફને મારવા રૂ. 5 લાખની સોપારી દઈને બે શૂટરો મંગાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મળતી વિગત મુજબ મોરબીમાં મુસ્તાક મીરની હત્યાના આરોપમાં ઝડપાયા બાદ હિતુભા પેરોલ પરથી ફરાર હતા. અને ત્યાર બાદ મુસ્તાક મીરના ભાઇ આરીફ મીર પર ફાયરિંગ થવાના કેસમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતા. ત્યારે એટીએસની ટીમે તાજેતરમાં અમદાવાદના શાંતીપુરા સર્કલથી બોપલ તરફ જવાના રસ્તે નાકાબંધી કરીને કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કાર અટકાવી તેમાં બેઠેલા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ વિજયસિંહ જાડેજા, ખુમાનસિંહ રઘુવીરસિંહ જાડેજા, અંગ્રેજ ભવાનીપ્રસાદ ચૌધરી અને જીતેન્દ્રકુમાર રામવિલાસ મોર્યાને હથિયાર સાથે પકડી પાડ્યા હતા.

- text

બાદમાં મોરબી એ ડિવિઝન પોલીસે હિતુભાનો કબજો મેળવીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. આ બાબતે તપાસનીશ અધિકારી પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે રિમાન્ડ દરમિયાન હિતુભાએ કબૂલાત આપી હતી કે આરીફ મીરથી જાનનું જોખમ હોય જેથી મનોજસિંઘ શિકરવારને રૂ. 5 લાખની સોપારી આપી હતી. બદલામા મનોજસિંઘે તેના શૂટરો મોકલી આરીફ મીર ઉપર ફાયરિંગ કરાવ્યું હતું. તેમ છતાં આરીફ મીર બચી ગયો હતો. આ ઘટના બાદ હિતુભા ફરાર હતો. અને એ દરમિયાન તેઓ યુપી બિહાર સહિતના જુદા જુદા રાજ્યોમાં રોકાયા હતા.

હાલ મોરબી પોલીસે હિતુભાના રિમાન્ડ પુરા થતા તેમને ફરીથી અમદાવાદ પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text