રાષ્ટ્રીય કક્ષાની ફુટબોલ ટુર્નામેન્ટમાં મોરબીના આદિત્ય પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો

- text


મોરબી : તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં સનાવર ખાતે તા. 1 સપ્ટે.થી 5 સપ્ટે. દરમિયાન IPSC દ્વારા યોજાતી નેશનલ લેવલની બોયઝ ફુટબોલ ટુર્નામેન્ટ (અંડર-૧૭)નું આયોજન થયેલ હતું. જેમાં દેશભરમાંથી બાવીસ કરતાં વધારે રાજ્યોની ફુટબોલ ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં રવાપર રોડ, સાયન્ટીફિક વાડી, આલાપ પાર્કમાં રહેતા અને પ્લેટિના વિટ્રી ફાઇડ પ્રાઇવેટ લિમિટેડવાળા અરવિંદભાઈ તથા ઉષાબેન પટેલના પુત્ર આદિત્ય પટેલ, કે જે રાજકોટની પ્રખ્યાત રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરે છે તે અને તેની ટીમે નેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડલ જીતીને આદિત્યે મોરબી શહેર, સરડવા પરિવાર તેમજ રાજકુમાર કોલેજનું ગૌરવ વધાર્યું હતું. રાજકુમાર કોલેજના ફુટબોલ ટીમના કોચ દિલાવર રાઉમાં સાહેબ અને તેની ટીમનું દ્વારા ટીમને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેલાડીઓ અને માર્ગદર્શકની સખત મહેનતથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હોવાથી સહુ ગર્વની લાગણી અનુભવે છે. તેમજ આદિત્ય માટે પરિવાર, મિત્રો તેમજ સગાસંબંધીઓ તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આદિત્ય પટેલે અગાઉ 21 જૂનના રોજ નૈનિતાલ ખાતે IPSC દ્વારા યોજાયેલ નેશનલ લેવલની ટાઈકોન્ડો ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

- text