મોરબી : જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે મીઠાઇ-ફરસાણના ભાવો નક્કી કરાયા

- text


કલેક્ટરની વેપારીઓ સાથેની બેઠકમાં ફરસાણ અને મીઠાઈનું ભાવ બાંધણુ કરાયું

મોરબી : આગામી જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને સમગ્ર મોરબી જિલ્લાના મીઠાઇ-ફરસાણ ઉત્પાદકો સાથે જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાએ બેઠક કરી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો પણ તહેવારને આનંદ અને ઉલ્લાસથી ઉજવી શકે તે માટે મીઠાઇ તેમજ ફરસાણના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા અને આ ભાવ બંધણુ સમગ્ર મોરબી જિલ્લામાં 15 થી 25 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

ગઇકાલે કલેક્ટરકચેરીના કોન્ફરન્સ હોલમાં કલેક્ટર આર.જે. માકડીયાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં આગામી 15 મી ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી સમગ્ર મોરબી જિલ્લામાં મીઠાઇ-ફરસાણના લઘુત્તમ ભાવે સામાન્ય લોકોને મળી રહે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. બેઠકના પ્રારંભે કલેક્ટર આર.જે. માકડીયાએ મીઠાઇ-ફરસાણ એસોસિએશનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી મીઠાઇ-ફરસાણના ઉપસ્થિત રહેલા વેપરીઓને સહયોગ આપવાનું જણાવતા તમામ વેપારીઓ સામાન્ય અને મધ્યમ વર્ગને પરવડે તેવું ભાવ બાંધણુ કરવા સંમત થયા હતા.આ બેઠકમાં નિવાસ અધિક કલેક્ટર કેતન જોષીએ વેપારીઓને નફાના ભોગે વસ્તુની ગુણવત્તામાં વાસી માલ ન વેચાય તેમજ ભાવો સુવાચ્ય અક્ષરે વંચાય તે રીતે દુકાનમાં પ્રદર્શીત કરવા પણ જણાવ્યું હતું. વેપારીઓને તહેવાર દરમિયાન અન્ય કોઇ તકલીફ પડતી હોય તો તંત્રનું ધ્યાન દોરવા પણ જણાવ્યું હતું.

- text

મીઠાઇ-ફરસાણ એસોસિએશનના હોદ્દેદારોએ સામુહિક રીતે તહેવાર દરમિયાન ભાવ બાંધણીની તંત્રની પહેલને આવકારીને સહયોગ આપવાની પૂરી ખાતરી આપી હતી. સમગ્ર મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભાવ બાંધણીના દિવસો દરમિયાન નક્કી કરેલા ભાવે જ મીઠાઇ-ફરસાણ વેચાશે તેની ખાતરી આપી હતી. સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પણ હોંશભેર તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ભાવો બાંધવા માટે સૌ વેપારીઓએ સહયોગ આપ્યો હતો.

બેઠકના અંતે સર્વ સંમતીથી 15 ઓગસ્ટ થી 25 ઓગસ્ટ સુધી દુધની મીઠાઇ (પેંડા વગેરે) 240 રૂપિયે કિલો, બેસનની મીઠાઇ (લાડુ વગેરે) 120 રૂપિયે કિલો, મોહન થાળ 140 રૂપિયે કિલો, ફરસાણ (ગાંઠીયા વગેરે) 140 રૂપિયે કિલોના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા જેનો સૌ ઉપસ્થિત વેપારીઓએ અમલી માટે ખાતરી આપી હતી. ભાવ બાંધણી માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કેતન.પી. જોષી, જિલ્લા પુરવઠા અધિકારી એચ.જી. પટેલ, ટંકારા પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, મામલતદાર ડી.ડી. જાડેજા તેમજ મોરબી જિલ્લાના તાલુકાના મોટી સંખ્યામાં મીઠાઇ ફરસાણ એસોસિએશનના હોદ્દેદારો તેમજ વેપારીઓએ ભાગ લીધો હતો.

- text