ખાનગી ટ્રાવેલ્સ કંપની દ્વારા દિલ્હીથી અમદાવાદ આવતા મોરબીના 18 ગ્રાહકો સાથે દાદાગીરી સાથે થઈ છેતરપિંડી

- text


મોરબી : મોરબીથી હરિદ્વાર જાત્રાએ ગયેલા મોરબીના મહિલાઓ બાળકો સહિતના 18 મુસાફરો સાથે આંતરરાજ્ય સેવા આપતી ખાનગી બસ સંચાલન કરતી જાણીતી કંપનીએ દાદાગીરી સાથે છેતરપિંડી કરતા મામલો ગ્રાહક સુરક્ષા ફોરમમાં પહોંચ્યો છે.

દાદાગીરી સાથેની છેતરપિંડીના બનાવની વિગતો જોઈએ તો મોરબીના પંકજ ત્રિવેદી સહિત કુલ 18 યાત્રાળુઓ મોરબીથી હરિદ્વાર ધાર્મિક યાત્રાએ ગયા હતા. હરિદ્વારથી દિલ્હી પહોંચતા પહેલા એક દિવસ અગાઉ જાણીતી ખાનગી ટ્રાવેલ્સ કંપની શ્રીનાથ ટ્રાવેલ્સમાં ફોન દ્વારા દિલ્હીથી અમદાવાદ જવા માટે 18 સીટનું રિઝર્વેશન કરાવ્યું હતું. એક યાત્રી દીઠ 2750 રૂપિયાનું ભાડું નક્કી કરી ટીકીટ કનફર્મ કરાવવામાં આવી ત્યારે વોલ્વો એસી બસમાં મુસાફરી કરાવવામાં આવશે એમ કહેવાયા બાદ દિલ્હીથી સાવ ખખડધજ બસમાં મુસાફરોને બેસાડી દેવામાં આવ્યા હતા. શ્રીનાથ ટ્રાવેલ્સ દ્વારા મુસાફરોનું શોષણ કેવી રીતે થાય છે એ અહીં જાણવા મળ્યું હતું.

2 જૂનના રોજ તીસ હજારી બાગ, દિલ્હીથી બસ નંબર GJ 14X 5533માં 35-40 પેસેન્જરો સહિતની અડધીથી વધુ સ્ત્રીઓને બંકર જેવી સાદી બસમાં ઘેટાં બકરાની માફક ભરવામાં આવ્યા. પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂ. 2750/ જેટલો ચાર્જ લેવામાં આવ્યો હોવા છતાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે બસનું એર કંડિશનર બિલકુલ કામ કરતું ન હોવાથી અને બારીઓ પણ ખોલી શકતી ન હોવાથી તમામ મુસાફરો ગરમીને કારણે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. આ બાબતે દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતની ઓફિસોનો ઘણી વખત ટેલિફોનિક સંપર્ક કરવા છતાં જવાબદારીની ફેંકાફેકી કરવામાં આવી. આ ઉપરાંત બસના ડ્રાયવર કંડકટરનું વર્તન તો ચા કરતા કીટલી ગરમ જેવું અસહ્ય હતું. દિલ્હીથી અમદાવાદ સુધીની મુસાફરી દરમ્યાન બસ બદલાવવા ઠાલા આશ્વાસન વચ્ચે ખૂબ કઠિન પરિસ્થિતિમાં મુસાફરી પુરી કરી. મુસાફરી દરમ્યાન એક સમયે અમદાવાદ પહોંચીને મુસાફરોને રિફંડ આપવાની લાલચ અપાઈ. જ્યારે અમદાવાદ ઓફિસે પહોંચતા પહેલા પેસેન્જર દીઠ 100 રૂપિયા અને ત્યારબાદ ઉગ્ર ચર્ચા પછી શ્રીનાથ ટ્રાવેલ્સ દ્વારા માત્ર 200 રૂપિયા રિફંડના પ્રસ્તાવથી મુસાફરો ચોંકી ઉઠ્યા. આ રિફંડ અમોને માન્ય નથી એમ કહેતા ટ્રાવેલ્સ સંચાલકોએ તો હવે તમે તમારી રીતે અને અમે અમારી રીતે એમ કહીને ઉદ્ધતાઈ કરતા જાગૃત મુસાફરોએ ટ્રાવેલ્સ વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ નોંધાવીને પેસેન્જરો સાથે લૂંટ કરતા આવા ખાનગી ટ્રાવેલ્સ સંચકલોની સાન ઠેકાણે લાવવા બાંયો ચઢાવી છે.

- text

એક મુસાફરે એ બસની પરમીટનો ફોટો મોકલ્યો છે જે પરમીટ પુરી થઈ ગયેલી હોવાનું દર્શાવે છે જે અત્યંત ચોંકાવનારી બાબત છે. પેસેન્જરો સહિત સરકાર સાથે પણ ટેક્સ ચોરી કરીને છેતરપીંડી કરવામાં આવી રહી છે. પરમીટ પુરી થઈ ગયેલી બસનું જો એક્સિડન્ટ થાય તો પેસેન્જરોને વીમો પણ મળતો નથી. ત્યારે મુસાફરોના જીવની સાથે રમત રમતા આવા ટ્રાવેલ્સ સંચાલકો પર સખત કાર્યવાહી થવી જોઈએ એવું એક મુસાફરે જણાવ્યું હતું.

મોરબી અપડેટ સાથેની ટેલિફોનિક વાતચીત દરમ્યાન શ્રીનાથ ટ્રાવેલ્સની એ કહેવાતી વોલ્વો બસના મુસાફરે વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાન પોલીસને અમે આ બાબતે વાકેફ કરતા એમણે પણ કોઈ જાતની મદદ કરવા માટે અસમર્થતા દર્શાવી હતી. બસમાં વૃદ્ધો, 3 બાળકો, 13 મહિલાઓ સહિત કુલ 18 મુસાફરો તો માત્ર મોરબીના જ હતા. વૃદ્ધો,બાળકો અને મહિલાઓને શ્વાસ લેવામાં ખાસી તકલીફ પડી રહી હતી એવા સમયે કોઈ યાત્રીની તબિયત વધુ ખરાબ થઈ હોત તો આ અમાનવીય અભિગમ ધરાવતા ટ્રાવેલ્સ સંચાલકો પાસે કોઈ મદદની અપેક્ષા ક્યાંથી રાખી શકાય. પાલડી ખાતેની શ્રીનાથ ટ્રાવેલ્સની ઓફિસે મુસાફરોને પડેલી અગવડ માટે દિલગીરી દર્શાવવાની કે માફી માંગવાની વાત તો બાજુએ રહી ઉલટાનું ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરવામાં આવ્યું.
અત્રે એક બાબત ખાસ નોંધનીય છે કે આ બસમાં એક રાજીકીય આગેવાનના સંબંધી પણ મુસાફરી કરતા હતા. એમને રાજકીય લેવલે પણ ચાલુ મુસાફરી દરમ્યાન ગાંધીનગર સુધી અસુવિધા બાબતે ફરિયાદ કરી જોઈ. પણ માત્ર પેસેન્જરો પાસેથી મસ મોટું ભાડું વસુલનાર જાડી ચામડીના ટ્રાવેલ્સ સંચાલકો પર એની પણ કોઈ અસર ન થઈ. આથી સ્પષ્ટ પણે એવુ માની શકાય કે મોટી રકમના હપ્તાઓ ઉપર સુધી પહોંચતા હોય ત્યાં કાયદાકીય આશરો લીધા સિવાય છૂટકો જ નથી એમ અંતમાં અકળાયેલા મુસાફરોએ મોરબી અપડેટને જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text