મોરબી જિલ્લામાં કાલે મતદાન : 7.51લાખ મતદારો એક દિવસના સુલતાન

- text


913 મતદાન બુથો પર તમામ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર હાજર : કાલે સવારે 6 વાગ્યે ચૂંટણી પ્રક્રિયા પહેલા ટેસ્ટીગ માટે 50 મત નખાશે : વિશિષ્ટ મતદાન મથકોને કરાયો શણગાર

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી યોજાવાની છે.જોકે લોકસભાની ચૂંટણી માટે પ્રચારના ભૂંગળા બંધ થઈ ગયા છે.ત્યારે આજે કતલની રાત છે.આથી શામ, દામ, દંડ ભેદના સમીકરણો રચાઈ રહ્યા છે.મતદારો એક દિવસના સુલતાન હોવાની અનુભૂતિ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મોટાભાગે રાજકીય પક્ષો દ્વારા કમિટેડ મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં આવતીકાલની લોકસભાની ચૂંટણી માટે સ્થાનિક ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયું છે અને ચૂંટણી પ્રક્રિયાની કામગીરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કતી દેવામાં આવી છે.મોરબી, માળીયા, ટંકારા- પડધરી, વાંકાનેર કુવાડવા વિધાનસભા વિસ્તારના 913 બુથો પર 7.51 લાખ મતદારો લોકસભાની ચૂંટણી માટે મતદાન કરશે.આ તમામ મતદાન બુથો પર ઇવીએમ મશીનો ગોઠવાયા છે અને આ ઇવીએમ મશીનમાં કોઈ ગરબડી થાય તો બીજા ઇવીએમ મશીનો અલગથી ફાળવી દેવાયા છે.તેમજ મતદાન બુથો પર તમામ ચૂંટણી સ્ટાફ ફરજ પર હાજર થઈ ગયો છે.મોરબી જિલ્લામાં ડીસ્પેચ અને રિસિવિગ માટે ત્રણ સેન્ટરોની વ્યવસ્થા કરી છે.જેમાં મોરબીમાં ઘુટુ ગામે આવેલ પોલીટેક્નિક કોલેજ, વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ અને ટંકારામાં ઓ.આર પટેલ કોલેજમાં સર્ચ અને ડીસ્પેચની કામગીરી થઈ ગઈ છે.જોકે કાલે ચૂંટણી પ્રક્રિયા પહેલા સવારે 6 વાગ્યે મોકપોલ થશે.જેમાં ટેસ્ટીગ માટે 50 મત નખાશે.

- text

મોરબી જિલ્લામાં 15 મહિલા મતદાન મથકો અને 3 દિવ્યાંગ મતદાન મથકો છે.આ મહિલા મતદાન મથકોમાં પોલિંગ ઓફિસરથી માંડીને પટ્ટાવાળા સુધીના મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે.આવી રીતે દિવ્યાંગ મતદાન મથકોમાં માત્ર દિવ્યાંગ કર્મચારીઓ જ ફરજ બજાવશે.આ અંગે મહિલા અને દિવ્યાંગ કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે મતદાનની કામગીરી કરવા માટે ભારે ઉત્સાહિત છીએ. તંત્રના ઉમદા પ્રયાસોથી અમારો જુસ્સો વધ્યો છે.અમે ચૂંટણીની કામગીરીમાં કોઈ કચાશ નહિ રાખીએ.જોકે તંત્ર દ્વારા વિશિષ્ટ મતદાન મથકોને શણગારવામાં આવ્યા છે.અને છાયડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

- text