એક બીજાના શર્ટ ફાડીને મોરબીના વાંકડામાં રમાઈ છે અનોખી ધુળેટી !

- text


એક બીજાના શર્ટ ફાડીને મોરબીના વાંકડામાં રમાઈ છે અનોખી ધુળેટી !

મોરબી : રંગનો પર્વ હોળી, ધુળેટી આમ તો સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે પરંતુ મોરબીના વાંકડા ગામે હોળી – ધૂળેટીનો પર્વ અનોખા અંદાજમાં અને જરા હટકે ! હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, ધુળેટીના દિવસે અહીં એક – બીજાના શર્ટ ફાડવાની મજા લેવામાં આવે છે તો ભીના કોથળા ફટકારી અનોખો આંનદ પણ મેળવાઈ છે.

મોરબી તાલુકા વાંકડા ગામે પેઢી દર પેઢીથી અનોખા અંદાજમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે અલગ અંદાજમાં થતી ધુળેટી પર્વની ઉજવણી એટલા માટે જ આજુબાજુના ગામોનું આકર્ષણનું કેન્દ્ર બની છે, અહીંના ગ્રામજનો દ્વારા ગામની વચ્ચો – વચ લીમડાના વૃક્ષની મોટી મજબૂત ડાળને ખાડો ખોદી ઉભી ગોઠવે છે અને ગામના જ યુવાનોની બે ટીમ પાડવામાં આવે છે જે પૈકીની એક ટીમ આ ડાળને બચાવવા મહેનત કરે છે અને હરીફ ટીમ તેને પાડી દેવા માટે પ્રયત્ન કરે છે.

આ અનોખી રમતમાં બન્ને ટીમ એક બીજાના શર્ટ ફાટી ન જાય ત્યાં સુધી ધુળેટી રમવાનો આનંદ માણે છે, આ અનોખી ઉજવણીની રમતમાં એક બીજાના કપડાં ફાડવાની સાથે ભીના કરેલા કોથળા એક બીજાને ફટકારવામાં આવે છે અને વહેલી સવારથી કલાકો સુધી આ રસાકસી ભરી રમત જામે છે.

- text

ગ્રામજનો કહે છે કે આ પરંપરા પાછળ કોઈ ખાસ કારણ નથી આમ છતાં વર્ષોથી ચાલી આવતી ગામની પરંપરા આજે પણ યુવાનોએ જાળવી રાખી છે, નોંધનીય છે કે વાંકડા ગામમાંથી અનેક લોકો વ્યવસાયર્થે બહાર સ્થાયી થયા હોવા છતાં હોળી – ધૂળેટીની આ અનોખી શર્ટ ફાડું ધુળેટી રમવા અને એક બીજાને પ્રેમથી ભીના કોથળા ફટકારવાનો આનંદ મેળવવા ચોક્કસથી ગામમાં પહોંચી જાય છે અને આજુબાજુ ના ગ્રામજનો પણ ધૂળેટીએ યોજાતી અનોખી રમતને નિહાળવા મોટી સંખ્યામાં આવે છે.

- text