મોરબીમાં તોફાને ચડેલા આખલાએ વૃધ્ધનો જીવ લીધો

- text


આખલાની ઢીકે ચડેલા વૃદ્ધે રાજકોટ સારવાર દરમ્યાન દમ તોડી દીધો : વારંવાર આખલાની ઢીકે બનતા જીવલેણ બનાવોથી લોકોમાં તંત્ર સામે રોષ

મોરબી : મારબીના સામાકાંઠે આવેલા હાઉસિંગ બોર્ડ પાસે તોફાને ચડેલા આખલાએ બાઇક સવાર વૃધ્ધને ઢીકે ચડાવતા તેમને ગંભીર ઇજાઓ થવાથી તેમનું રાજકોટમાં વધુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.જોકે આખલાઓના અપસી દંગલમાં વારંવાર આવા જીવલેણ બનાવો બનતા હોવાથી લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ કરુણ બનાવની મળતી વિગતો અનુસાર મોરબીના પીપળી ગામે રહેતા મનજીભાઈ ડુંગરભાઈ ઉભડિયા ઉ.વ.65 નામના વૃધ્ધ ગઈકાલે કોઈ કામસર બાઇક પર મોરબી આવ્યા હતા અને મોરબીમાં જરૂરી કામ પતાવીને પરત પોતાના ગામે જવા બાઇક પર નીકળ્યા હતા.જ્યારે તેઓ સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં આખલાએ ભારે દગલ મચાવ્યું હતું.આખલાની ઢીકે આ વૃધ્ધ ચડી જતા તેમને ગંભીર ઇજાઓ થવાથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં રખડતા ઢોરનો વર્ષોથી ત્રાસ છે. જાહેર રસ્તા પર અડીગો જમાવતા રખડતા ઢોર અનેક વખત તોફાને ચડીને વાહન ચાલકો અને રાહદારીઓને ઢીકે ચડાવે છે.તેથી કેટલાય નિર્દોષ લોકોના હાથ પગ ખોખરા થઈ ગયા છે અને અનેક લોકોને રખડતા ઢોરની ઢીકે ચડી જવાથી મોત થયા છે.આ જીવલેણ બનાવો આજે એક વધુ બનાવનો ઉમેરો થયો છે.છતાં તંત્ર ઢોરને ડબ્બે પુરવાની નક્કર કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text