ટંકારાની એક માત્ર પોસ્ટઓફિસ ઓક્સિજન ઉપર

- text


મરવાના વાંકે જીવતી રખાયેલી ટપાલ કચેરીમાં કાયમી કર્મચારી જ નથી

ટંકારા : ટંકારાની ટપાલ કચેરીને લકવો થયો હોય તેવી હાલતમાં કણસી રહી છે. કચેરીમાં હાલ એકપણ સ્થાઈ કર્મચારી જ નથી. બહારના કર્મચારી ફાળવીને ગાડુ ગબડાવાઇ રહ્યું છે.

ટંકારાની એક માત્ર પોસ્ટ ઓફીસ ઓક્સિજન પર ચાલી રહી છે.ભારતને ટેક્નોલોજીની દ્રષ્ટિએ આગળ લઈ જવા માટેની દરેક ક્ષેત્રને ઓનલાઈન કરવાની મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓ જાણે અહીં લાગુ પડતી નથી. પોસ્ટઓફિસની  ઑનલાઈન સિસ્ટમ નિયમિત રીતે અનિયમિત જ ચાલે છે. પૂરતા સ્ટાફના અભાવે પોસ્ટ ઓફિસમાં આવતા નાગરિકોનો સમય ખુબ જ બગડે છે. આ ઉપરાંત પોસ્ટની ટીકિટોની તેમજ સ્ટેમ્પની હંમેશા અછત વર્તાય છે. વીજળીના વિકલ્પે ઉપીયોગમાં લેવાતું જનરેટર જર્જરિત હાલતમાં છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે. બહારથી ફાળવાયેલ કર્મચારીઓની કામ પ્રત્યેની ઉદાસીનતાથી પાછલા ઘણા સમયથી પોસ્ટ ઓફિસનો વહીવટ કથળીને ખાડે ગયો છે. કથળેલા વહિવટથી તાલુકાની પ્રજા પરેશાન થઈ ગઈ છે. આ મામલે વડી કચેરી સુધી અનેક ફરિયાદો કરવા છતા નિંભર તંત્રના જાડી ચામડીના ઉચ્ચ અમલદારો કોઇ નક્કર નિવેડો લાવવાને બદલે “હોતી હે ચલતી હે”ના ધોરણે થૂંકના સાંધા કરીને ગાડુ ગબડાવ્યે જાય છે. આના કારણે સ્ટાફ અને નાગરિકો વચ્ચે થતી લમણાઝીંક કાયમી બની છે.

ટંકારા શહેરની મધ્યે દયાનંદ ચોકમાં આવેલી તાલુકા કક્ષાની કેન્દ્ર સરકારની એકમાત્ર પોસ્ટ તંત્રની કચેરીમાં ગ્રાહકોને સેવાના બદલે કઠણાઇનો સામનો કરવો પડે છે. અગત્યના કામ પતવાને બદલે ધરમધક્કા ખાઇને નિસાસો નાંખીને વિલા મોઢે પાછુ ફરવુ પડે છે. કેન્દ્ર સરકાર હસ્તકના પોસ્ટ તંત્રે થોડા મહિના પહેલાં દેશભરમાં તેના ગ્રાહકો માટે કોર બેકિંગ સર્વિસ (સી.બી.એસ.) દાખલ કરી હતી. પોસ્ટનો ગ્રાહક કોઇ પણ ગામમા એકાઉન્ટ ધરાવતો હોય તો પણ દેશભરમા તેનો ઉપયોગ કરી શકે તેવો ઉદ્દેશ હોવાનું તંત્ર જણાવે છે. પરંતુ આ સુવિધામાં કાયમી ટેકનિકલ ક્ષતિના કારણે સુવિધાના બદલે દુવિધા ઉભી થતી હોવાનો અહેસાસ ગ્રાહકો અનુભવી રહ્યા છે.

દેશના કોઇપણ રાજય કે ગામમા પોસ્ટનો ગ્રાહક તેના એકાઉન્ટનો ઉપયોગ કરી શકવાના બદલે સ્થાનિક કક્ષાએ મળતી સુવિધા પણ હાલમાં  સિસ્ટમની કાયમી વિકલાંગતાથી વ્યવસ્થિત ચાલતી નથી. ઘણા સમય પહેલાં તંત્રે આધુનિક ઉપકરણોના ઉપયોગ થકી સમગ્ર દેશની પોસ્ટ કચેરીને ઓનલાઇન સિસ્ટમથી જોડી દીધી હતી. ઓનલાઇન સિસ્ટમ સતત ચાલવાને બદલે મોટે ભાગે ઠપ્પ જ રહે છે. પોસ્ટનો દરેક વહિવટ કમ્પ્યુટર થકી જ થવા લાગતા ગ્રાહકોના કામ ઓનલાઇન સિસ્ટમની ક્ષતિને કારણે ઘણા સમયથી ખોરંભે પડી રહ્યા છે. ટંકારા શહેર ઉપરાંત તાલુકાની સોળ બ્રાંચ પણ ટંકારાની મુખ્યકચેરી નીચે આવે છે. દરરોજ ગ્રાહકોની કતાર લાગે છે.પરંતુ કમ્પ્યુટરની ઓનલાઇન સિસ્ટમ ઉપરથી જ ચાલુ થતી ન હોવાથી કલાકો સુધી તડકે શેકાયેલા ગ્રાહકો બળાપો વ્યક્ત કરી વિલે મોઢે પરત ફરે છે.આઝાદી કાળનુ મંજુર થયેલ ૧ પોસ્ટમાસ્તર સહિત ૪ કર્મચારીઓનો સ્ટાફ, ટંકારા તાલુકા મથક થતા કામગીરીનુ ભારણ અનેકગણું વધી ગયું છે.નવાઈની વાત તો એ છે કે મહેકમ મુજબ માત્ર ૧ કલાર્કની જ જગ્યા ભરેલી છે અને તે પણ લાંબી રજા ઉપર ઉતરી જતા એકપણ નિયમિત કર્મચારી જ નથી. હાલ,તંત્રની રાજકોટ ખાતેની વડી કચેરી દ્વારા બે કર્મચારીઓને છુટક સર્વિસ ઉપર ફાળવી ગાડુ ગબડાવવામાં આવે છે. બહારથી ફાળવેલ કર્મચારીઓ પણ ફરજમા ગંભીર રહેવાના બદલે કામનો ઉલાળીયો કરી ગ્રાહકો સાથે જાણી જોઈને ઘર્ષણ ઉભુ કરવાની મથરાવટી રાખે છે. આ મામલે તંત્રના ઉચ્ચ અમલદારો સમક્ષ રાજકોટ હેડઓફિસમાં અનેક ફરિયાદો બાદ પણ પ્રશ્નનો નિવેડો આવવાની દિશામા નકકર કામગીરી ન કરતા હોવાનો ખ્યાલ ઉપસે છે.

- text

ઉલ્લેખનિય છે કે પોસ્ટની રોજીંદી કામગીરી ઉપરાંત ટેલિફોન,વિજબીલ, આધારકાર્ડની કામગીરી પણ કરવાની હોય છે. પરંતુ આધારકાર્ડની કામગીરી માટે ચારેક માસ પૂર્વે નવુ કમ્પ્યુટર સંપૂર્ણ સીસ્ટમ સાથે ફાળવેલ. પરંતુ પૂર્વ પોસ્ટમાસ્તર બદલી ગયા બાદ, વેરિફિકેશન માટે તેના અંગુઠાની છાપ હોવાથી લાંબા સમયથી કોમ્યુટર શોભાનો ગાંઠીયો બની ગયુ છે.

ટંકારા વર્ષો પૂર્વે ગામડાની વ્યાખ્યામાં આવતુ હતુ. ત્યારે ત્રણેક હજારની વસતી અને વ્યાપ સિમીત હતા.અને ગામને ફરતી ગઢની રાંગ(કિલ્લેબંધી દિવાલ) હતી. ત્યારે એક ટપાલી હતો. આજે શહેરની વસતી પચીસ હજારે આંબી ગઇ છે.ભૌગોલિક વિકાસ ચો તરફ ફેલાયો છે. છતા પોસ્ટતંત્ર હજુ એક જ ટપાલીથી ગાડુ ગબડાવે છે. હાલ તંત્રના બિમલ ઠાકર નામના ઇડી માનવતા દાખવી પોતાની ફરજ ઉપરાંત વધારાની ટપાલીની જવાબદારી બજાવે છે.

જ્યારે પોસ્ટલ કચેરીમા રૂ૧૦૦,૫૦,૨૦ના સ્ટેમ્પ પેપર ઉપરાંત રેવન્યુ ટીકીટ ઘણા લાંબા સમયથી નથી છતા જવાબદારોના પેટનુ પાણી હલતુ નથી. ઑનલાઈન સિસ્ટમ છાસવારે ખોરંભાઇ જતી હોવાની ફરીયાદ, આધારકાર્ડ કામગીરી બંધ, પોસ્ટલ વિમો, મુદતી સર્ટિફિકેટના પરત નાણા ફોમઁ ભરવાની ગ્રાહકોની મુશ્કેલી અંગે રાજકોટ ખાતેની વડી કચેરીના એ.એસ.પી કે.પી.રાવલને પુછતા તેઓએ ફરજ ઉપરના જવાબદારોએ કયારેય ઑનલાઈન ફોલ્ટની અત્રે ફરીયાદ કરી નથી તેવો લુલો બચાવ કર્યો હતો અને કાર્ય ઉદાસીનતા અંગે ઠપકો અપાશે એમ કહી દોષનો ટોપલો અન્યો ઉપર ઢોળવાની કોશિશ કરી હતી.

- text