ચલી, ચલી, રે પતંગ મેરી ચલી રે, સાનુકૂળ પવને પતંગ રસિયાઓને મોજ કરાવી

- text


કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન વિભાગ અને વન વિભાગની ટીમો દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા સઘન કામગીરી

મોરબી : આજે સવારથી સાનુકૂળ પવનને કારણે મોરબીના પતંગ રસિયાઓને મોજ પડી ગઈ છે, હવામાન વિભાગની આગાહી મુજબ જ અનુકૂળ ગતિએ પવન ચાલુ રહેતા મોરબીના આકાશમાં રંગબેરંગી પતંગ વચ્ચે યુદ્ધ જામ્યું હતું.

અબાલ વૃદ્ધ સૌ કોઈના મનપસંદ તહેવાર ઉત્તરાયણમાં આજે સવારે થોડી ઠંડી હોવા છતાં મોરબીના પતંગ રસિયાઓ પતંગ, માંજો, લાઉડ સ્પીકર, ચીકી, બોર , જીંજરા સહિતની સામગ્રી લઈ અગાસીમાં અડ્ડો જમાવી દીધો છે જો કે સાનુકૂળ પવન રહેતા જ નવ વાગ્યાથી એ કાપ્યો છે ના ગગનભેદી નાદ સાથે મોરબીમાં સંક્રાંતિનો માહોલ ખરેખરનો જામ્યો છે.

સંક્રાંતિના અવસરે સવારથી જ યુવાનો, યુવતીઓ, બાળકો ટોપી, ગોગલ્સ સાથે મેદાનમાં આવી ગયા છે અને ક્યાંક ડી.જે. તો ક્યાંક ઘરના લાઉડ સ્પીકર સાથે પતંગ યોદ્ધાઓ અવકાશી યુદ્ધ લડવાની સાથે નજરોના તીર છોડવા પણ સજ્જ બની સંક્રાંતિનો લુત્ફ ઉઠાવવામાં જરા પણ કચાશ છોડી નથી.

જો કે, માનવીની મજા અને પક્ષીને સજા જેવા આજના દિવસમાં કરુણા અભિયાન અંતર્ગત સેવાભાવી સંસ્થાઓ અને પશુપાલન વિભાગ, વન વિભાગ સહિતની ટીમો પણ સતત દોડતી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં ડઝનેક ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી નવજીવન આપી માનવતા મહેકાવી હોવાનું જિલ્લા કંટ્રોલના આંકડા જણાવી રહ્યા છે.

- text

- text