કેનાલ કોન્ટ્રાકટરના પાપે હળવદના વેગડવાવમાં ખેડૂતના ઉભા પાકમાં તલાવડા ભરાયા

- text


પાઈપલાઈન લીકેજ રહેતા ખેતરોમાં પાણી પાણી : ઘઉંનો પાક નિષ્ફળ : ખેડૂતો ચિંતાતુર

હળવદ : હળવદના વેગડવાવ ગામે ખેડૂતોને પિયત માટે કેનાલમાંથી નાખવામાં આવેલ પાઈપલાઈન અવારનવાર લીકેજ થતા ઘઉના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને અંદાજે ર લાખથી વધુનું નુકસાન થવા પામ્યું છે. આ બાબતે તંત્ર દ્વારા કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરી નુકસાનની વળતર ચુકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ ઉચ્ચારી છે.

રાજય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ સુવિધા મળે તે માટે છેવાડા સુધી પાણી પહોંચાડવા કરોડો રૂપિયાના ખર્ચે મેઈન કેનાલ સાથે પેટા કેનાલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો સાથોસાથ આ કેનાલનો જોડતી પાઈપલાઈનો નાખવામાં આવેલ છે જેથી અંદરના ભાગમાં રહેલ ખેડૂતોના પાક માટે પિયતનું પાણી પહોંચાડી શકાય પરંતુ કોન્ટ્રાકટરોના પાપે ખેડૂતોને હરહંમેશ નુકસાનની ભોગવવી પડતી હોય છે.

- text

આવા જ એક કિસ્સામાં હળવદ પંથકના વેગડવાવ ગામના ખેડૂત અશ્વિનભાઈ જગાભાઈ પિપરીયાનાની વાડીમાં ૧૦ વીઘાના ઉભા પાકમાં પાઇપ લાઈન લીક થતા પાણી ભરાતા અંદાજે ર થી ૩ લાખનું નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ ઘઉંના ઉભા પાકમાં તલાવડા ભરાઈ જતા પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા જગતના તાતની સ્થિતિ કફોડી બની છે.

આ અંગે તંત્ર દ્વારા નબળી કામગીરી કરેલ કોન્ટ્રાકટર સામે પગલા લેવામાં આવે તેમજ નુકસાન થયેલ પાકનું વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે.

- text