ઇમ્પેકટ મોરબી અપડેટ : વાંકાનેરમાં રેલવેના કામમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરે તાત્કાલિક આડશો મૂકી

- text


બાઇક ચાલક અને ગાય ખાડામાં ખબકયા બાદ મોરબી અપડેટના અહેવાલને પગલે કોન્ટ્રાકટર દોડતા થયા

વાંકાનેર : વાંકાનેરમાં રેલવેના કામમાં સુરક્ષા નેવે મુકી કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી રાખવામાં આવતા બાઈકસવાર ખાડામાં ખાબકયો હતો અને બીજી દુર્ઘટનામાં ગાય પણ આ જોખમી ખાડામાં પડી જતા મોરબી અપડેટમાં સવિસ્તાર અહેવાલ પ્રસિદ્ધ કરી ઘોર બેદરકારી છતી કરતા અંતે આ કોન્ટ્રાક્ટરો દોડતા થયા છે અને રાતો રાત જોખમી બાંધકામ ફરતે ગેલવેનાઇઝડ પતરાની આડશ ઉભી કરી દીધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં ચાલી રહેલ રેલવે ટ્રેકના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ઘોર બેદરકારી દાખવીને સુરક્ષાને નેવે મૂકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. રેલવે ટ્રેકના કામ માટે કરેલા ખાડામાં બુધવારે સવારે બાઈકસવાર ખાબક્યો હતો અને ગઈકાલે ફરી એજ જગ્યામાં એક ગાય ખાબકી હોવાનું સામે આવ્યું હતું.

- text

વધુમાં આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાથી લોકોની જિંદગી જોખમાઈ છે. રેલવે ટ્રેકના કામ માટે અહીં મસ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને આ ખાડામાં કામ ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાકટરે આ ખાડા ફરતે કોઈ પણ જાતની આડસ રાખી ન હોવાથી બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને નિર્દોષ ગાયને પણ ઇજાઓ પહોંચતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

બીજી તરફ આ મામલે મોરબી અપડેટના માધ્યમથી સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ થતા રેલવે સતાવાળાઓમાં દેકારો બોલી ગયો હતો અને કોન્ટ્રાકટરે પોતાની ભૂલ સુધારવા રાતો રાત ખાડાની ફરતી બાજુએ પતરાની આડશ ઉભી કરી લેતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

- text