મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો

- text


સિવિલ હોસ્પિટલમાં ૧૦ બેડના આઇસોલેશન વોર્ડ સાથે તમામ દવાઓ અને માસ્કની વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ સ્વાઇનફ્લુને પહોંચી વળવા માટે સજ્જ બની છે. હાલ સ્વાઈન ફ્લુનો એક પણ કેસ આવ્યો નથી. તેમ છતાં તકેદારીના ભાગ રૂપે હોસ્પિટલમાં ૧૦ બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત દવાઓનો સ્ટોક તેમજ માસ્કના પૂરતા જથ્થાને ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

મોરબીમાં વાતાવરણની અસરના પગલે સ્વાઈન ફ્લુની તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુનો અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સ્વાઇન ફ્લુને અટકાવવાની તમામ દવાઓનો જથ્થો સ્ટોક કરીને સાડા નવ હજાર માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.સ્વાઇન ફ્લુની તકેદારીના પગલા અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાએ જણાવ્યું કે ચાલુ વર્ષના ગત એપ્રિલ માસથી જિલ્લામાં એક પણ સ્વાઈન ફ્લુનો કેસ આવ્યો નથી.

- text

તેમ છતાં વાતાવરણના અસરના કારણે સ્વાઇન ફલૂ ફેલાઈ તો તેને નિયંત્રણમાં લેવાની આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના દરેક તાલુકા મથકોમાં ડોકટર, સુપરવાઈઝર જે તે પીએચસીના મેડિકલ ઓફિસર સાથેની રેપીડ રીસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે. અને સ્વાઇન ફ્લુના જુના કેસ જે વિસ્તારોમાં નોંધાયા હોય તે વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

- text