મોરબીમાં માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિનો ક્રેઝ

- text


ભક્તો પોતાની જાતે જ માટીના ગણપતિ બનાવી સ્થાપન કરીને કરે છે ગણેશોત્સવની ઉજવણી

મોરબી : ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિને કારણે પર્યાવરણને વ્યાપક નુકશાન પહોંચી રહ્યું છે ત્યારે મોરબીમાં બાપાના ભક્તો દ્વારા માટીના ગણપતિ જાતે જ બનાવી ગણેશોત્સવ ઉજવવાનો ક્રેઝ રંગ જમાવી રહ્યો છે.

છેલ્લા વર્ષોમાં ગણેશોત્સવ ઉજવણીનો ક્રેઝ વધાવની સાથે ગણપતિ ભક્તો જાણતા અજણાતા પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યા છે કારણ કે દુંદાળા દેવની વિરાટ કદની મૂર્તિ સ્થાપવાની હોડ વચ્ચે લોકો એ ભૂલી રહ્યા છે કે, પ્લાસ્ટર ઓફ પેરિસમા થી બનતી મૂર્તિનું જળાશય કે નદીમાં વિસર્જન બાદ આ મૂર્તિ સમસ્ત માનવજાતિ અને પર્યાવરણને પારાવાર નુકશાન કરી રહી છે, આથી જ સરકારે પણ આવી મૂર્તિઓ બનાવવા અને વેચાણ પર રોક લગાવી છે છતાં ભક્તિના નામે લોકો આવી પર્યાવરણની ખો કાઢતી મૂર્તિઓ ખરીદી રહ્યા છે.

આ બધા વચ્ચે મોરબીમાં છેલ્લા વર્ષોમાં સ્વયંભુ લોકજાગૃતિ આવી છે અને લોકો પર્યાવરણને નુકશાન કરનાર મૂર્તિને બદલે માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ જાતે બનાવી ગણેશજીની ખરા દિલથી ભક્તિ કરવાની સાથે પૃથ્વીની કાળજી લઈ રહ્યા છે.

- text

આવા ઉમદા ભક્તોના ઉદાહરણ જોઈએ તો મોરબીના ચામુંડાનગરમાં રહેતા મિત નરેન્દ્રભાઈ ચાવડા માત્ર આઠ વર્ષથી ઉંમર હોવા છતાં જાતે ગણપતિ બનાવી સુશોભન કરી ગણેશજીની સ્થાપના કરી છે, એ જ રીતે બળવંતભાઈ નારણીયાએ પણ અનોખા માટીના ગણપતિ બનાવી જાતે જ શણગાર ચડાવી ગણેશજીનું સ્થાપન કર્યું છે સાથે સાથે પર્યાવરણની પણ ખેવના કરી છે.

તો વળી સનાળા રોડ પર રામ ચોક પાસે રહેતા બંસીબેન શેઠ તો અદભુત રીતે માટીના ગણપતિ બનાવે છે, છેલ્લા પાંચ વર્ષથી માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા બંસીબેન શેઠ મૂર્તિનું વિસર્જન કરવાને બદલે ગણપતિ બાપાને કુંડામાં જ પધરાવી દે છે અને તેમાં કોઈ રોપ, છોડ ઉછેરી ખરા અર્થમાં પર્યાવરણનું જતન કરી રહ્યા છે.

જો, મોરબીના આ ગણપતિ ભક્તોની જેમ સમગ્ર રાજ્યમાં અને દેશમાં પણ માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવે તો ચોક્કસપણે ગણેશોત્સવ બાદ વધતું પ્રદુષણ અટકી શકે છે.

 

- text