મોરબી : આજે શ્રાવણી અમાસ નિમિતે શિવાલયોમાં ભાવિકો ઉમટી પડશે

- text


શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવિકો ભગવાન શિવને દુગધાભિષેક અને બીલીપત્ર અર્પણ કરીને ધન્યતા અનુભવશે

મોરબી : મોરબીમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો ભોળાનાથની ભક્તિમાં લિન થઈ ગયા હતા. શિવભક્તોએ આખા શ્રાવણ માસમાં એકટાણા કે નકોરડા ઉપવાસ કરીને ભગવાન શિવની કઠોર આરાધના કરી હતી. ત્યારે આજે અમાસે શ્રાવણ માસની પુર્ણાહુતી થનાર છે. અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા શ્રાવણી અમાસના દિવસે ભાવિકો ભગવાન શિવને દુગધાભિષેક અને બીલીપત્ર અર્પણ કરીને ધન્યતા અનુભવશે.

શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધના કરવાનો શ્રેષ્ઠ સમય. ત્યારે મોરબીમાં શ્રાવણ માસના પ્રારંભથી જ શિવભક્તોએ ભગવાન ભોળાનાથની ભક્તિની આહલેક જગાવી હતી. શિવભક્તોએ પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ, એકટાણા અને ધાર્મિક અનુષ્ઠાન કરીને શિવભક્તિમાં તરબોળ થઈ ગયા હતા. પવિત્ર શ્રાવણ માસ દરમીયાન દર સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. શિવભક્તોએ દર સોમવારે કે દરરોજ શિવાલયે દર્શને જઈને શિવલિંગ પર દુગધાભિષેક, બીલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથની ભક્તિ કરી હતી.

- text

શહેરમાં આવેલા શિવાલયો જડેશ્વર મહાદેવ મંદિર, અગનેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, ત્રિલોકધામ, જંગલેશ્વર મહાદેવ મંદિર, રફાળેશ્વર મહાદેવ મંદિર સહિતના તમામ નાના મોટા શિવ મંદિરોમાં આખો શ્રાવણ માસ ભક્તિભાવપૂર્વક ભક્તોએ શિવભક્તિની આહલેક જગાવી હતી. ત્યારે આજે રવિવારે અમાસના દિવસે પવિત્ર શ્રાવણ માસની પુર્ણાહુતી થશે. એ સાથે શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડશે અને શ્રાવણ માસના અંતિમ દિવસે શિવભક્તો વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શ્રધ્ધાભેર ભાગ લઈને શિવની આરાધના કરીને કૃતાર્થ થશે.

- text