આજે વર્લ્ડ ફિઝિઓથેરાપી ડે : અનેક હઠીલા દર્દોમાં કાયમી રાહત અપાવતી ફિઝિઓથેરાપી

- text


શહેરના જાણીતા ફિઝિઓથેરાપીસ્ટ ડો. ભાવેશ ઠોરિયાએ ફિઝિઓથેરાપી સારવાર વિશે આપી વિશેષ વિગતો

મોરબી : દર વર્ષે ૮ સપ્ટેમ્બરને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફિઝિઓથેરાપી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ તકે ફિઝિઓથેરાપીનું મેડિકલ ક્ષેત્રમાં સ્થાન અને સમાજને સ્વસ્થ રાખવામાં ફિઝિયોથેરેપીની શુ ભૂમિકા છે તે વિશે મોરબીના સૌ પ્રથમ પ્રાઇવેટ પ્રેક્ટિસર અને ૧૬ વર્ષના અનુભવી એવા ફિઝિયોથેરેપીસ્ટ ડો. ભાવેશ ઠોરિયાએ વિશેષ માહિતી આપી છે.

ફિઝિઓથેરાપીસ્ટ ડો. ભાવેશ ઠોરિયાએ જણાવ્યું કે લોકોને સ્વસ્થ અને સ્વાવલંબી બનાવવા માટે ફિઝિયોથેરેપી વૈજ્ઞાનિક ઢબે થતી એવી સારવાર છે. કે જેમાં કોઈ પ્રકારની આડઅસર થતી નથી. તેમજ દર્દને મૂળમાંથી નાબૂદ કરી શકાય છે.આ ઉપરાંત લાંબા સમયના હઠીલા દર્દોમાં પણ કાયમી રાહત મેળવી શકાય છે.

એક સામાન્ય માન્યતા પ્રમાણે ફિઝિઓથેરાપી એટલે માત્ર કસરત અને ફિટનેસ. હકીકતમાં માત્ર આટલુ જ નથી, ફિઝિઓથેરાપી આ ઉપરાંત પણ ઘણું બધું ધરાવે છે. મેડિકલ ફિલ્ડને લગતા બધા જ ક્ષેત્રોમાં ફિઝિઓથેરાપી સારવાર ઉપલબ્ધ છે. ફિઝિઓથેરાપી કમર, ગરદન, ગોઠણ, એડી, ખભાના દુખાવા, ફેક્ચર, સાઇટિકા તેમજ લકવાની તકલીફમાં ઉપયોગી છે. તે સૌ કોઈ જાણે છે. આ ઉપરાંત પણ ફિઝિઓથેરાપીના અનેક એવા વિભાગો છે જેનાથી લોકો અજાણ છે.

હાલના સમયમાં બાળકોમાં લર્નિંગ ડીસએબીલીટીની સમસ્યા વધતી જઇ રહી છે. આ ઉપરાંત બાળકોમાં જન્મજાત આંચકી અથવા મગજમાં કોઈ કારણોસર ઇજા થવાથી શારીરિક અને માનસિક વિકાસ સામાન્ય કરતા મોડો જોવા મળે છે. તો આ બધી સમસ્યા માટે ફિઝિઓથેરાપીની ખાસ સારવાર ન્યુરો ડેવલપમેન્ટ થેરાપી અને સેન્સરી ઇન્ટીગ્રેશન દ્વારા શારીરિક અને માનસિક વિકાસ સરળ બનાવી તેમને સામાજિક રીતે સક્ષમ બનાવી શકાય છે.

- text

આ ઉપરાંત જડબાના દુખાવા તેમજ અપુરતા મો ખુલવાની સમસ્યા માટે પણ ફિઝિઓથેરાપી કારગત નીવડે છે. ત્યારબાદ મહિલાઓને લગતી સમસ્યાઓમાં સૌથી સામાન્ય એટલે માસિકસ્ત્રાવ દરમિયાન થતો દુખાવો. જેના નિવારણ માટે પેઇન કિલર મેડિસિનનો ઉપયોગ કરવામાં આવે છે. જેની લાંબા ગાળે શરીરમાં આડઅસર જોવા મળે છે. આ આડઅસરથી બચવા અને માસિક દરમિયાન થતો દુખાવો અટકાવવા ખાસ પ્રકારની કસરતો પીલાટેઝ એક્સરસાઇઝ મદદરૂપ થાય છે. તેમજ ફિઝિઓથેરાપીની ખાસ સારવારથી દુખાવામાં રાહત પણ મેળવી શકાય છે.

મહિલાઓની અન્ય તકલીફો જેવી કે ગર્ભાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફાર અને તેના કારણે ડિલિવરી પછી થતી સમસ્યાઓમાં ફિઝિઓથેરાપીની ખાસ કસરતો એન્ટીનેટલ અને પોસ્ટનેટલ એક્સરસાઇઝ શરીરને મૂળ સ્થિતિમાં લાવવા તેમજ દુખાવામાં રાહત માટે ઉપયોગી છે. હાલના સમયમાં કસરતના નામે કહેવાતા ખાસ પ્રકારના મશીનો દ્વારા કે કોઇ શિબિરના નામે કસરતો કરાવવામાં આવે છે. ઉપરાંત ડમી ફિઝિઓથેરાપીસ્ટ દ્વારા હોમ વિઝીટ પણ કરવામાં આવતી હોય છે.

વધુમાં ડો. ભાવેશ ઠોરિયાએ જણાવ્યું કે ફિઝિઓથેરાપી કોઈ સામાન્ય કસરત નથી. પરંતુ એક ખાસ પ્રકારની સારવાર છે. જે એક ક્વોલિફાઇડ ફિઝિઓથેરાપીસ્ટ કે જેમણે તેનો અભ્યાસ કરીને ડીગ્રી હાંસલ કરી હોય તે જ આપી શકે છે. આ સારવાર ફિઝિઓથેરાપીસ્ટ પાસેથી જ લેવાનો આગ્રહ રાખવો હિતાવહ છે.

- text