હળવદ માર્કેટ યાર્ડ સામે ડિમોલેશન અટકાવવા શ્રમિકોએ આવેદન પાઠવ્યું

- text


હળવદ : હળવદ માર્કેટ યાર્ડ સામે રહેતા ૪૦થી વધુ શ્રમિક પરિવારોએ ડિમોલેશન અટકાવવા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. જી.આઈ.સી.ડી.ની સામેની ઝુપડપટ્ટીમાં છેલ્લા રપ વર્ષથી વસવાટ કરતા શ્રમિકો છુટક મજુરી કરી પોતાનું પેટીયું રળે છે ત્યારે અવારનવાર તંત્ર દ્વારા મૌખિક રીતે જાણ કરી જગ્યા ખાલી કરવાની સુચનાઓ આપવામાં આવતી હોય છે ત્યારે હાલ ચોમાસું હોય અને અહીં રહેતા શ્રમિકોને અન્ય કોઈ જગ્યાએ રહેવા આસરો ન હોવાથી આજે શ્રમિક પરિવારની મહિલાઓ અને પુરૂષોએ મામલતદાર કચેરી ખાતે ધસી જઈ હાલ પુરતું ડિમોલેશન અટકાવવા આવેદન પત્ર પાઠવી માંગ કરી હતી.

- text

હળવદ જી.આઈ.ડી.સી.સામે છેલ્લા રપ વર્ષથી ઝુપડા અને પતરાના શેડમાં રહેતા ૪૦ જેટલા શ્રમિક પરિવારો જી.આઈ.ડી.સી.માં મીઠાનું કામ કરી રહ્યા છે. ત્યારે શ્રમિકોને અવારનવાર તંત્ર દ્વારા આ જગ્યા ખાલી કરવા સુચનાઓ અપાતી હોય છે. જેથી શ્રમિક પરિવારો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા ધસી આવ્યા હતા અને આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે અહીં રહેતા શ્રમિકો મહેનત મજુરી કરી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે ત્યારે અન્ય કોઈપણ જગ્યાએ રહેઠાણ ન હોય સાથે જ ચોમાસાના સમય સાથે તહેવારો પણ માથે છે ત્યારે આવી કપરીપરિસ્થિતિ માં શ્રમિકોને અન્ય જગ્યાએ સ્થળાંતર ન કરી શકે તેમ છે. તેમજ શ્રમિકોએ એવું પણ જણાવ્યું હતું કે, આ વિસ્તાર સિવાય હળવદના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો થયા છે ત્યાં તંત્રને નજર કેમ કંઈ આવતું નથી તેવો પણ ધગધગતો સવાલ શ્રમિકોએ ઉઠાવ્યો છે. રાજકીય ઈશારે અમોને અવારનવાર પરેશાન કરવામાં આવે છે તેવું આ આવેદન દ્વારા આક્ષેપ શ્રમિકો દ્વારા કરવામાં આવ્યું હતું.

- text