યારા તેરી યારી કો મેને તો ખુદા માના..મોરબીના બે દિવ્યાંગોની અનેરી ભાઈબંધી

- text


શારીરિક ઉણપ ધરાવતા બન્ને ભેરૂઓ જ્યારે એકબીજાના ખભા પર હાથ રાખી રસ્તા પરથી નીકળે ત્યારે સૌ કોઈ ગદગદિત થઈ જાય છે

મોરબી : આજે ફ્રેન્ડશીપ ડે છે. ફ્રેન્ડશીપ ડેએ મિત્રતાનો દિવસ છે. ત્યારે અહીં વાત મોરબીના બે શારીરિક ઉણપ ધરાવતા મિત્રની છે. આ બન્ને મિત્રો સાથે કુદરતે ક્રૂર મજાક કરી છે. પરંતુ બન્નેને તે વાતનો કોઈ રંજ નથી. બન્નેની મિત્રતા એવી ઘેરી છે કે એકબીજા વગર તો સુરજ આથમતો પણ નથી. જ્યારે આ બન્ને મિત્રો એકબીજાના ખભા પર હાથ મૂકીને રસ્તા પર ચાલતા હોય ત્યારે આ દ્રશ્ય જોનારા થોડીવાર માટે તો ગદગદિત થઈ જતા હોય છે.

મોરબીના સામાકાંઠે સો ઓરડી અંદર આવેલા વરિયાનગર શેરી નં. ૪માં રહેતા ૪૧ વર્ષીય અતુલભાઈ ભાણજીભાઈ બરાસરા અને ૪૪ વર્ષીય ધીરુભાઈ બાબુભાઇ દેગામાં વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભાઈબંધી છે. જો કે આ બન્ને મિત્રો સાથે કુદરતે ક્રૂર મજાક કરી છે. બન્ને મિત્રો શારીરિક ઉણપ ધરાવે છે. અતુલભાઈ મનોવિકલાંગ અને ધીરુભાઈ નેત્રહીન છે. અતુલભાઈ પોતાના ઘર પાસે ખાદ્યચીજોની દુકાન ચલાવે છે. જ્યારે ધીરુભાઈ અંધ હોવા છતાં પણ પોતાની માતાને મજૂરી કામમાં મદદરૂપ થાય છે. આમ બન્ને મિત્રો શારીરિક ઉણપ હોવા છતાં પણ ખુમારીભર્યું જીવન જીવે છે. જે સૌ કોઈને પ્રેરણા આપે છે.

ધીરુભાઈ અગાઉ અન્ય સ્થળે રહેતા હતા. ૨૦ વર્ષ પૂર્વે તેઓ પરિવાર સાથે આવીને અહી વસ્યા હતા. ધીરુભાઈ અહીં આવ્યા ત્યારે અતુલભાઈની દુકાને પાન માવો ખાવા જતા હતા. તેઓ નિયમિત રીતે અતુલભાઈની દુકાને જતા હોવાથી બન્ને વચ્ચે આત્મીયતાભરી વાતો થતી હોવાથી ૨૦ વર્ષ પહેલાં બન્ને વચ્ચે મૈત્રીનું ઝરણું વહેતુ થયું હતું. હાલ બન્ને મિત્રોને એકબીજા વગર ચાલતું જ નથી. જ્યાં સુધી બન્ને મિત્રો દુકાને ભેગા ન થાય ત્યાં સુધી સૂરજ આથમતો પણ નથી.

- text

દરરોજ ધીરુભાઈ માતા સાથે મજૂરી કામ કરીને ઘરે પરત આવે એટલે અતુલભાઈની દુકાને તેઓ બેસવા જાય છે. બાદમાં અતુલભાઈની દુકાને આત્મીયતાની મહેફિલ જામે છે. રાત્રે બન્ને ભાઈબંધો એકબીજાનો સહારો લઈને વોકિંગ કરવા નીકળી પડે છે. બન્ને મિત્રો એકબીજાના ખંભા પર હાથ રાખીને જતા હોવાથી તેમની મૈત્રી જોઈને લોકો પણ તેમને સલામ મારે છે. ઉપરાંત બન્ને મિત્રો ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા પણ ધરાવે છે. બન્ને ભાઈબંધો અગાઉ ૫ વર્ષ પૂર્વે છેક કચ્છમાં આવેલા આશાપુરા માંના મંદિરે ચાલીને ગયા હતા. બન્ને ભેરુઓએ એક બીજાના સહારે આટલું લાંબુ અંતર પગપાળા કાપીને મા આશાપુરાના દર્શન કર્યા હતા.

બન્ને ભાઈબંધો અપરણિત છે. કુદરત દ્વારા કરવામાં આવેલી ક્રૂર મજકનો બન્ને મિત્રોને કોઈ રંજ નથી. તેઓ કહે છે કે દુનિયામાં દોસ્તી સૌથી વધુ પવિત્ર છે. એટલે જ્યા સુધી જીવન છે. ત્યાં સુધી બન્ને સાથે મળીને આવી રીતે સદાય હસતા કિલ્લોલ કરતા જીવવા માંગીએ છીએ.

 

- text