મોરબી : નર્મદા કેનાલમાંથી ૨૫ ગેરકાયદેસર પાણીના કનેક્શનો કપાયા

- text


૧૨ ગામના ખેડૂતોની રજુઆત બાદ કલેકટરના આદેશથી અધિકારીઓ દોડતા થયા : ચરાડવા પાસે કેનાલમાં અવરોધરૂપ આડસ દૂર કરવા મજૂરોની મદદ લેવાઈ

મોરબી : મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોની ધગધગતી રજુઆત બાદ જિલ્લા કલેક્ટરે અધિકારીઓને ધડાધડ આદેશો કર્યા હતા. જેના પગલે પાણી પુરવઠા તંત્રએ કેનાલમાંથી બીનાધિકૃત રીતે પાણી ખેંચતા ૨૫ કનેક્શનો કટ કરી નાખ્યા હતા. ઉપરાંત વાંકડા પાસે પાણી પુરવઠા તંત્રને ઔદ્યોગિક એકમ સાથે માથાકૂટ થતા પોલીસ બંદોબસ્તની માંગ પણ કરાઈ છે.

મોરબી અને હળવદના ૧૨ ગામના ખેડૂતોએ સોમવારે ત્રણ ધારાસભ્યોની આગેવાનીમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે ધાંગધ્રા અને ચરાડવા પાસે નર્મદા કેનાલમાં આડસ મૂકીને પાણીને અવરોધી દેવામાં આવે છે તેમજ મહેન્દ્રનગરથી માંડલ સુધીમાં સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા ૫૦ ગેરકાયદે પાણીના કનેકશન હોવાની પણ રજૂઆત કરાઇ હતી.જેના પગલે કલેકટરે કેનાલના અધિકારી અને પાણી પુરવઠા અધિકારીને આ બાબતે આદેશો આપતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા

- text

કાર્યપાલક ઇજનેર જૈને જણાવ્યું હતું કે મહેન્દ્રનગર થી માંડલ સુધીના ગેરકાયદે પાણીના કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં ૨૫ ગેરકાયદે કનેક્શનો કપાયા છે જ્યારે વાંકડા ગામ પાસે રેડિયન પોલીપ્લાસ્ટ નામના એક એકમ સાથે પાણીના કનેકશનકાપવા મુદ્દે માથાકૂટ થતા આ કાર્યવાહી કરવા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરાઇ છે.

નર્મદા કેનાલના અધિકારી વાંકાણીએ જણાવ્યું હતું કે ચરાડવા પાસે નર્મદા કેનાલમાં જે આડસ મૂકીને પાણીમાં અવરોધ ઉભો કરાયો હતો તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. કેનાલમાં માટીની આડસ રાખી દેવાથી જેસીબીથી આ કામ શક્ય ન હતું જેથી મજૂરો દ્વારા માટી દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ગેરકાયદે કનેક્શન આપતી વેળાએ પાણી પુરવઠા વિભાગ દંગ રહી ગયો હતો કારણ કે ઉદ્યોગકારોએ યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ કરી અને પાણી ખેંચવા માટે કોઈને ખબર ન પડે તે રીતે અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નાખી હતી.

- text