બેંકોના નકારાત્મક વલણથી પશુપાલકો વતી સુરસાગર ડેરીના ડિરેકટરે કરી રજૂઆત

- text


દુધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપવાની યોજના અમલમાં મુકાઈ હોવા છતાં બેંકો દ્વારા કરાતા ગલ્લા-તલ્લા : પશુપાલકોના વ્યવસાય ભાંગી ન પડે તે બાબતે પશુપાલક નિયામકશ્રી સમક્ષ કરાઈ માંગ

હળવદ : રાજય સરકાર દ્વારા તાજેતરમાં પશુપાલકોને પગભર થવા માટે ૧ર દુધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપવાની યોજના અમલમાં મુકાઈ હતી પરંતુ બેંક દ્વારા પશુપાલકોને યોગ્ય લોન આપવામાં ગલ્લા-તલ્લા કરતા હોવાની અને અરજી સ્વીકારવાની સમય મર્યાદા વધારવા પશુપાલક નિયામકશ્રીને સુરસાગર ડેરીના ડિરેકટર દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે.

- text

પશુપાલનનો સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકાસ થાય, ગ્રામ્ય કક્ષાએ વ્યવસાયની તકો ઉભી કરી રોજગારીનું સર્જન થાય, શહેરીકરણ થતું અટકે તેમજ ખેડૂતોની આવક બમણી થાય અને પશુપાલન વ્યવસાયને વેગ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ૧ર દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મુકી છે પરંતુ આ યોજનાના અમલીકરણ માટે બેંક દ્વારા લોન આપવા માટે સહકાર આપવામાં આવતો ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ઉપરાંત જમીન તારણમાં મુકવા છતાં બેંક દ્વારા લોન આપવામાં આવતી નથી. પરિણામે પશુપાલકો રાજય સરકારની સહાય યોજનાનો સીધો લાભ લઈ શકતા નથી. તેથી બેંકો દ્વારા આ યોજના માટે લોન મળે તે અંગે પશુપાલક નિયામકશ્રી ગાંધીનગરને સુરસાગર ડેરીના ડિરેકટર નરેન્દ્રસિંહ ડી. રાણાએ લેખિત રજૂઆત કરી છે.

- text