મોરબીમાં શનિવારે મચ્છુ માતાની શોભાયાત્રા નીકળશે : પોલીસ દ્વારા રૂટનું નિરીક્ષણ

- text


અષાઢી બીજના પાવન અવસરે નીકળતી મચ્છુ માતાની પારંપરિક રથયાત્રામાં સુરક્ષાને ધ્યાને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ૨૨૫ સુરક્ષા જવાનો રહેશે ખડેપગે
મોરબી : મોરબીમાં કાલે શનિવારે અષાઢી બીજના પાવન અવસરે રબારી-ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. આ રથયાત્રાને લઈને પોલીસ દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ ૨૨૫ જેટલા જવાનોનો કાફલો રથયાત્રા દરમિયાન ખડેપગે રહેશે. ઉપરાંત સુરક્ષાને ધ્યાને રાખીને એસપીની આગેવાની હેઠળ આજે રથયાત્રાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

મોરબી પંથકનો રબારી- ભરવાડ સમાજ વર્ષોથી અષાઢી બીજના પાવન અવસરે મચ્છુ માતાજીના પ્રાગટય દિનની ઉજવણી કરે છે. આ ઉજવણી અંતર્ગત વર્ષોથી રબારી-ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આવતીકાલે તા. ૧૪ને શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાની જગ્યા ખાતેથી મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા નીકળશે.

- text

રથયાત્રા દરમિયાન ગીત સંગીતના સથવારે રબારી-ભરવાડ સમાજના યુવાનો ઝૂમી ઉઠશે. રથયાત્રાના નિર્ધારિત રૂટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડી છાસ, સરબત, લચ્છીનું વિતરણ કરવામાં આવશે. મચ્છુ માતાની આ રથયાત્રા દરબાર ગઢ પાસે આવેલા મચ્છુ માતાના મંદિરે વિરામ પામશે. જ્યાં બપોરે મહાપ્રસાદ અને રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.

રથયાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાને લઈને એસ.પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એક ડીવાયએસપી , એક પીઆઇ, ૫ પીએસઆઇ, ૮૯ પોલીસ જવાનો, ૧૯ હોમગાર્ડ, ૭૦ જીઆરડી અને ૪૦ ટ્રાફિક જવાનો મળી કુલ ૨૨૫ જવાનોનો કાફલો ખડેપગે રહેશે. આજરોજ રૂટ પરની સુરક્ષાને ધ્યાને લઈને એસપીની આગેવાની હેઠળ પોલીસ જવાનોએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

rathyatra reharshal

- text