ટંકારાના નાના રામપરમાં નવા ગામ તળના પ્લોટોની ભુકંપ બાદ હજી સુધી સનદ નથી મળી !!

- text


ટંકારા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત : કાર્યવાહી નહી થાય તો આંદોલન કરવાની ચીમકી

ટંકારા : ટંકારાનું નાના રામપર ગામ ભૂકંપમાં સંપૂર્ણ ધરાશાયી થયું હતું. ત્યારબાદ નવું ગામતળ મંજુર કરવામાં આવ્યું હતું. આ ગામ તળના પ્લોટોમાં બનાવવામાં આવેલા મકાનોની સહાય ચૂકવાઇ ગઈ હતી. પરંતુ આજ સુધી આ પ્લોટોની સનદ આપવામાં આવી નથી. આ અંગે ટીડીઓની રજુઆત કરી યોગ્ય કાર્યવાહી નહિ થાય તો ગ્રામજનક દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવમાં આવી છે.

ગ્રામજનોને ટીડીઓને રજુઆતમાં જણાવ્યું હતું કે ટંકારા તાલુકાનું નાના રામપર ગામ તા.૨૬/૦૧/૨૦૦૧ના રોજ ભૂકંપમાં સંપૂર્ણ ધરાશાયી થઈ ગયું હતું. જેથી નાના રામપર ગામનું નવું ગામતળ ૧૧ એકર અને ૨૮ ગૂંઠા મંજુર કરવામાં આવ્યું હતું. રહેણાંક હેતુ માટે એ સમયે ખરડો પણ પસાર કરવામાં આવ્યો હતો કે ગામતળ તાત્કાલિક નિમ કરવું અને લોકોને મકાનનું બાંધકામ કરવા દેવું. જે મુજબ નાના રામપર ગામના ૪૬ હરિજન કુટુંબો અને અન્ય જ્ઞાતિઓ દ્વારા પ્લોટ મુજબ મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

- text

ત્યારબાદ ભૂકંપની સહાય પેટે સરકાર દ્વારા રૂ. ૯૦ હજાર આપવામાં આવ્યા હતા. સરકારની સહાયથી જ આ મકાનો ઉભા કરવામાં આવ્યા હતા પરંતુ પ્લોટની સનદ આજ સુધી આપવામાં આવી નથી. પંચાયત બોડી નવા નિમ થયેલા ગામ તળની આગળની કાર્યવાહી કરતું નથી. સનદ ન હોવાથી પંચાયત દ્વારા આ વિસ્તારના વિકાસના કામો પણ કરવામાં આવતા નથી. જો સનદ આપવાની કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ રજુઆતમાં જણાવાયું હતું.

- text