મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલ વિરુદ્ધ કરેલા આક્ષેપ ખોટા : ડો. વિનોદ કૈલા

- text


હોસ્પિટલમાં દાખલ થતી વેળાએ માં અમૃતમ કાર્ડ રજૂ ન કર્યું હોવાનો હોસ્પિટલનો ખુલાસો : દર્દીએ તાત્કાલિક અમૃતમ કાર્ડ કઢાવ્યું હતું

મોરબી : મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાઝી ગયેલા દર્દીનું માં અમૃતમ કાર્ડ ન ચલાવી રૂપિયા ૬૮ હજારનું બિલ ફટકારવા પ્રકરણમાં હોસ્પિટલના ડોકટર વિનોદ કૈલાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે હકીકતમાં દર્દી દ્વારા હોસ્પિટલમાં દાખલ થતી વેળાએ કાર્ડ અંગેની કાઈ જાણકારી જ આપવામા આવી ન હતી એથી પણ આગળ જઇ ડો,કૈલાએ ઉમેર્યું હતું કે આ કિસ્સામાં દર્દીએ ગઈકાલે જ કાર્ડ કઢાવ્યું હતું જે નિયમ મુજબ આજે એક્ટીવેટ થયું છે જેથી ક્રિષ્ના હોસ્પિટલ સામે થયેલા આક્ષેપો પાયાવિહીન હોવાનું ફલિત થાય છે

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ થયેલા વાંકાનેરના રમેશભાઈ પરમારના કિસ્સામાં સામાજિક કાર્યકર અર્જુનસિંહ વળાએ હોસ્પિટલ વિરુદ્ધ આરોપ લગાવી માં અમૃતમ કાર્ડ હોવા છતાં હોસ્પિટલે બિલ પેટે ૬૮ હજાર લીધા હોવાનો આક્ષેપ કરતા આ આ મામલે હોસ્પિટલના ડો. વિનોદ કૈલાએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં નિયમ મુજબ દર્દી કે દર્દીના સગા વ્હાલા દ્વારા હોસ્પિટલમાં દાખલ થતી વેળાએ માં અમૃતમ કાર્ડ અંગે કોઈ જાણકારી હોસ્પિટલને આપી ન હતી.

- text

વધુમાં ડો.વિનોદ કૈલાએ ઉમેર્યું હતું કે હકીકતમા તો હોસ્પિટલમાં દાખલ થતી વેળાએ આ દર્દી પાસે માં અમૃતમ કાર્ડ હતું જ નહીં અને તાત્કાલિક અસરથી તા. ૧૯ ના રોજ કાર્ડ કઢાવી બાદમાં હોસ્પિટલને જાણ કરવામાં આવી હતી જો કે આ કાર્ડ આજથી એક્ટીવેટ થયું હોય કાર્ડ ન ચલાવવાનો કોઈ પ્રશ્ન જ નથી.

અંતમાં ડો.કૈલાએ જણાવ્યું હતું કે ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા માં કાર્ડના દર્દીને હોસ્પિટલમાં નિયમ મુજબ સારવાર આપવામાં આવે જ છે. કોઈ સાથે ભેદભાવે રાખવામાં આવતો નથી.

 

- text