મોરબી : સોસાયટીના દબાણ મુદ્દે રહીશોની કલેકટરને પાંચમી વખત રજુઆત : ઉગ્ર આંદોલનની ચીમકી

- text


ધર્મલાભ સોસાયટીના રહીશો દ્વારા અગાઉ પણ ચાર વખત કલેકટર અને ચિફ ઓફિસરને રજુઆત કરી પરંતુ તંત્રએ જાણે આ પ્રશ્નનું નિરાકરણ ન લાવવાની ટેક લીધી હોય તેવો ઘાટ સર્જાયો

મોરબી : મોરબીના બાયપાસ રોડ પર દુર્લભ પાર્ટી પ્લોટ સામે આવેલ ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેના પ્લોટ પર કબજો અમુક લોકો દ્વારા જમાવી કરવામાં આવેલા દબાણ અંગે આજે રહીશોએ પાંચમી વખત કલેકટર તેમજ ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે. ત્યારે તંત્રએ આ પ્રશ્નનું નિરાકરણ ન લાવવાની જાણે ટેક લઈ લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે.

ધર્મલાભ સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી સોસાયટીના કોમન પ્લોટ ઉપર અમુક લોકો દ્વારા દબાણ કરી લેવામાં આવતા સોસાયટીના રહીશોના નાના મોટા પ્રસંગો થઈ શકતા ન હોવાનું તેમજ બાળકોને રમવા માટે જગ્યા પણ મળતી ન હોવાનું જણાવાયું હતું.
વધુમાં ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેની આ કિંમતી જમીન પચાવી પાડવા માટે કારસો ઘડવામાં આવ્યો હોવાનું જણાવી સોસાયટીના રહીશો કે સોસાયટીના બિલ્ડર કે અન્ય કોઈ પ્લોટમાં દબાણ નહિ કરવાનું સમજવા જાય તો પણ ધાક ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

- text

રહીશોના જણાવ્યા મુજબ તેઓએ આ પાંચમી વખત જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે. અગાઉ ચાર વખત રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરની નિષ્ક્રિયતાના પગલે દબાણકારોને મેદાન મોકળુ થઈ ગયું છે. હાલ રહીશોએ આ પ્લોટ ખુલ્લો કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. નહીંતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.

- text