મોરબીમાં દુષ્કર્મ અને હત્યા કરનાર નરાધમે અગાઉ પણ આ રીતે એક બાળકીને શિકાર બનાવી ‘તી

- text


રિમાન્ડ દરમિયાન આરોપીની નફ્ફટ કબૂલાત : બિહારમાં બાળકી પર બળાત્કાર અને તેની હત્યાના કેસમાં ૬ મહિના જેલ ભોગવ્યા બાદ આરોપી મોરબી આવ્યો હતો

મોરબી : મોરબીમાં અઢી વર્ષની બાળા પર દુષ્કર્મ આચરી તેની હત્યા નિપજાવનાર નરાધમ શખ્સે અગાઉ બિહારમાં પણ ૩.૫ વર્ષની બાળકીને હેવાનીયતનો શિકાર બનાવીને તેની હત્યા કરી લાશને દાટી દિધી હોવાની કબૂલાત ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ દરમિયાન આપી હતી.

મોરબીના જેતપર રોડ પર બેલા ગામ નજીક આવેલા રોસાબેલા સીરામીકમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવારની અઢી વર્ષની માસૂમ બાળકીનું જ કારખાનામાં મજૂરી કામ કરતા બિહારી શખ્સે અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી નાખી હતી. આ નરાધમને પોલીસે ત્રણ દિવસની રિમાન્ડ પર લીધો હતો.

રિમાન્ડ દરમિયાન કાળજા કંપી જાય તેવી કેફિયત નરાધમે આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ બિહારી શખ્સે વર્ષ ૨૦૧૭માં બિહારના સીરામઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩.૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ બાળકીની હત્યાં કરી તેને દાટી દીધી હતી. આ કેસમાં તેને જેલની સજા પડી હતી. તેવી આરોપીએ કબૂલાત આપી હતી.

- text

નરાધમે બિહારમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરી હતી. તે કેસમાં ૬ મહિના જેલની સજા ભોગવ્યા બાદ આરોપી મોરબી આવ્યો હતો. મોરબી આવ્યા બાદ બીજી વખત માસૂમ બાળકીને હેવાનીયતનો શિકાર બનાવીને તેને મોતને ઘાટ ઉતારી હતી. આ આરોપી પરણિત છે તેને સંતાનમાં એક પુત્ર છે. પત્ની અને પુત્ર બિહારમાં રહે છે. પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીના કપડાં અને અન્ય પુરાવાઓ એકત્રિત કર્યા હતા. રિમાન્ડ પુરી થતા તેને કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.

- text