મોરબી પાલિકાના બોગસ ડેથ સર્ટિ.ના આધારે વલસાડમાં જમીન કૌભાંડ : બે કર્મચારીની હકાલપટ્ટી

- text


વલસાડ પોલીસની તપાસમાં મોરબી પાલિકામાં ચાલતું જન્મ મરણના ખોટા દાખલા કાઢી આપવાનું કૌભાંડ બહાર આવ્યું: ડેથ સર્ટી. સાથે વૃદ્ધાનું બોગસ આધાર કાર્ડ, રેશનકાર્ડ પણ મોરબીમાં જ બન્યું

મોરબી : મોરબી પાલિકાના બોગસ ડેથ સર્ટિફિકેટના આધારે વલસાડમાં જમીન કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. આ જમીન કૌભાંડની વલસાડ પોલીસે તપાસ કરતા મોરબી પાલિકામાં ચાલતા ખોટા જન્મ મરણના દાખલા કાઢવાનું કૌભાંડ પણ બહાર આવ્યું હતું. વલસાડ પોલીસ આ બાબતે મોરબી પાલિકામાં તપાસ માટે આવી હતી અને બોગસ મરણનો દાખલો કાઢી આપનાર મોરબી પાલિકાના બે કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યા બાદ પાલિકાએ બંને કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે.

કૌભાંડ અંગે મળતી વિગતો અનુસાર મુંબઇ રહેતાં પારસી કમીએચરશા મહેતા ઉ.વ.૮૩ નામના વૃદ્ધાની વલસાડના ઓઝર ગામે આવેલી કિંમતી જમીન પચાવી પાડવા માટે મોરબીની એક મહિલા સહિત બે અને વલસાડના ૩ તેમજ જામનગરના એક મળી કુલ છ શખ્સોએ કારસો રચ્યો હતો. જેમાં પારસી વૃધ્ધા જીવીત હોવા છતાં તેને મૃત દર્શાવીને મોરબી પાલિકા માથી વૃદ્ધાનું બોગસ ડેથ સર્ટિ કઢાવી લીધું હતું. આ ડેથ સર્ટી અને બીજા ડોક્યુમેન્ટના આધારે વૃદ્ધાની વલસાડના ઓઝર ગામની જમીન પચાવી પાડી હતી. આ બાબતની મૂળ માલિકને ખબર પડતાં આ જમીન કૌભાંડ અંગે વલસાડમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ કરી રહેલી વલસાડ પોલીસની મોરબી પાલિકામાં તપાસ માટે આવતા મોરબી પાલિકામાં ખોટા જન્મ મરણના દાખલા કાઢી આપવાનું કૌભાંડ ચાલતું હોવાનું ખુલ્યું હતું.

- text

વલસાડ પોલીસે ખોટા જન્મ મરણનો દાખલો કાઢી આપનાર મોરબી પાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા બે કર્મચારીને પૂછપરછ માટે વલસાડ બોલાવ્યા છે ત્યારે મોરબી પાલિકા તંત્રે તાત્કાલિક પગલાં લઈને આ બંને કર્મચારીઓની હકાલપટ્ટી કરી નાખી હતી. જોકે મોરબી પાલિકામાં ખોટા જન્મ-મરણ સહિતના દાખલા પૈસાના જોરે નીકળતા હોવાની અનેક ફરિયાદો ઊઠી છે. ત્યારે ખરેખર પાલિકાના જવાબદાર કર્મચારીઓ બેદરકારી દાખવી છે કે જાણી જોઈને વહીવટ કરીને જન્મ મરણના ખોટા દાખલા કાઢી આપે છે તે અંગે તટસ્થ તપાસ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે.

જ્યારે વલસાડના જમીન કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા પારસી વૃધ્ધાના મોટા ભાગના બોગસ ડોક્યુમેન્ટ મોરબીમાં બન્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે વલસાડના જમીન કૌભાંડમાં વપરાયેલા મોટાભાગના ડોક્યુમેન્ટ મોરબીમાં જ બન્યા હોવાનું ખુલ્યું છે મુંબઈની વૃદ્ધા જીવીત હોવા છતાં તેનો મરણનો દાખલો પાલિકામાંથી કઢાવી લેવાનું તેમજ મુંબઇના વૃદ્ધાને મોરબી તાલુકાના અમરાપર, નાગરપરના રહેવાસી ગણાવીને તેના બોગસ રેશનકાર્ડને આધાર કાર્ડ કઢાવી લેવાયા હતા આ બોગસ ડોક્યુમેન્ટ કૌભાંડ વલસાડ પોલીસની તપાસમાં ખુલ્યુ હતું. જોકે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ખોટા ડોક્યુમેન્ટો બનાવીને જમીન કૌભાંડ આચરવામાં આવે છે. જો આ બાબતની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તો અનેકના નામ સામે આવે એમ છે.

- text