મોરબીમાં વિચરતી જાતિના ૧૦૨ લોકોને પ્લોટનું વિતરણ

- text


જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો: પ્લોટ પર મકાન પણ બનાવી અપાશે,બાળકોને આશ્રમ શાળામાં પ્રવેશ અપાશે

મોરબી, : મોરબીમાં વિચરતી જાતિના લોકો માટે સનદ વિતરણ કાર્યક્રમ જિલ્લા કલેકટર આઈ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં મોરબીની આસપાસ ભટકતું જીવન જીવતા બાવરી જાતિના ૧૦૨ લોકોને સનદ આપવામાં આવી હતી.

મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, અધિક કલેકટર જોશી, મામલતદાર એચ.બી. સતાણી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહેશ્વરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સનદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી આસપાસ વર્ષોથી રખડતું ભટકતું જીવન જીવતા બાવરી જાતિના ૧૦૨ લોકોને પ્લોટ માટેની સનદ આપવામાં આવી હતી. વિચરતી જાતિના આ લોકોને મોરબી તાલુકાના જાંબુડિયા પાસે પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

- text

જિલ્લા કલેક્ટરે બાવરી જાતિના પ્લોટના લાભાર્થીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પ્લોટ ઉપર મકાન પણ બનાવી દેવામાં આવશે. આ ઉપરાંત બાળકો શિક્ષણ સાથે યોગ્ય વાતાવરણ મળી રહે અને તેઓ સારી કારકિર્દી ઘડી શકે તે માટે તેમને આશ્રમ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. પૈસાના બદલામાં આ પ્લોટ નું વેચાણ ન કરતા.

વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, સરકાર તરફથી તમને તમામ સહાય મળી છે.ત્યારે તમે પણ પરિવારમાં દારૂ, જુગાર જેવું કોઈ પણ દુષણ ન આવે તેની પૂરતી તકેદારી રાખજો. તમને આપેલી જગ્યા એ સ્થાયી થઈને નવુ જીવન જીવજો. નવો વ્યવસાય અપનાવીને સમૃધ્ધ જીવન જીવજો.આ સાથે આવનારી પેઢીને સારું વાતાવરણ આપજો

- text